(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨૦
ગીરગઢડા તાલુકાના પાણખાણ અને સમઢીયાળા ગામને જોડતો મુખ્ય કોઝવેપૂલ ત્રણ વર્ષ પહેલા ભારે વરસાદના કારણે ધોવાણ થઇ તુટી ગયો હતો. આજુબાજુના પાંચથી છ ગામોના લોકોને અવરજવર કરવા ભારે મુશ્કેલી સર્જાય છે. આ પૂલ વરસાદમાં જ્યારે તુટી ગયેલો તે વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ જિલ્લાના જે તે સમયના પ્રભારી અને મિનીસ્ટરોએ પણ મુલાકાત લઇ આ પૂલ વહેલીતકે બનાવવા માટે પ્રજાને આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં પૂલનું કામ ન થતા ગામ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલીને હલ કરવા એ વખતે રિક્ષાચાલકોએ ફંડ ફાળાઓ કરી સાઇડમાં જાતમહેનતે રસ્તો બનાવેલ હતો. આ વાતને ત્રણ વર્ષ વીતવા છતાં સરકારી બાબુઓ તેમજ લોક સેવકો આ પૂલનું મરામત કામ કરાવવાનું વિશરી ગયા છે. ત્રણ વર્ષથી આ વિસ્તારની પ્રજા પરેશાની વેઠે છે. ગામમાં ૧૦૮ કે બસ સેવા અને પ્રાઇવેટ વાહનો પણ જઇ શકતા નથી. આ પૂલના ધોવાણ પછી અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો સાંભળતા નથી.
ત્રણ-ત્રણ વર્ષથી ભારે વરસાદના કારણે તુટી ગયેલા પૂલનું સમારકામ ન થતા ભણતા ભૂલકાઓ તથા લોકો ચોમાસા દરમિયાન નદીમાં ભરાયેલા પાણીના ખાડાઓ અને નદીમાં આવેલા પાણી વચ્ચેથી જીવના જોખમે અવરજવર કરે છે. પણ આ સમસ્યા હલ કરવા લોકોએ જીવ ગુમાવ્યા પછી તંત્ર જાગશે કે શું ?