નવી દિલ્હી, તા.૧પ
બેંગ્લોરે સોમવારે કિંગ્સ ઈલેવન પંજાબને ૧૦ વિકેટે કારમો પરાજય આપ્યો. ૭૧ બોલ બાકી રહેતા મળેલી આ જીત એ આરસીબીની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સને પણ રાહત પહોંચાડી છે. પંજાબની આ હાર બાદ પ્લે ઓફનું પૂરૂં સમીકરણ જ બદલાઈ ગયું છે. જ્યાં શરૂઆતમાં પ્લે ઓફ માટે સૌથી મજબૂત દેખાઈ રહેલી પંજાબનો માર્ગ હવે મુશ્કેલ થતો દેખાઈ રહ્યો છે તો બહાર થતી દેખાઈ રહેલી બેંગ્લોર અને મુંબઈ ટીમનું નસીબ ચમકવા લાગ્યું છે. પ્લે ઓફમાં સનરાઈઝ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સ પહેલાં જ પહોંચી ચૂક્યા છે. હવે બે સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે હરીફાઈ છે. મુંબઈના ભલે ૧ર મેચોમાં ૧૦ પોઈન્ટ છે પણ પોઝિટીવ રનરેટ તેના માટે ખુશીની વાત છે. બેંગ્લોર સામે પંજાબની હારે તેને વધુ એક લાઈફલાઈન આપી દીધી છે. મુંબઈ જો પોતાની બંને મેચો પંજાબ અને દિલ્હી સામે જીતી જાય તો સરળતાથી પ્લે ઓફમાં પહોંચી જશે.
મુંબઈની જેમ બેંગ્લોર માટે પણ સારો રનરેટ રાહતની વાત છે. જો કે તેને પણ બંને મેચો જીતવી જ પડશે. એટલું જ નહીં પંજાબ અને કેકેઆરે એક મેચ હારવી પડશે. બે મેચ જીતશે તો આરસીબીના ૧૪ પોઈન્ટ થઈ જશે અને જો સારી રનરેટ રહી તો તે ક્વોલિફાઈ કરશે.

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

ટીમ મેચ જીત હાર પોઈન્ટ રનરેટ
સનરાઈઝ હૈદરાબાદ ૧૨ ૯ ૩ ૧૮ ૦.૪૦૦
ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૨ ૮ ૪ ૧૬ ૦.૩૮૩
કોલકાતા નાઇટ રાઇડર્સ ૧૨ ૬ ૬ ૧૨ -૦.૧૮૯
રાજસ્થાન રોયલ્સ ૧૨ ૬ ૬ ૧૨ -૦.૩૪૭
કિંગ્સ ઇલેવન પંજાબ ૧૨ ૬ ૬ ૧૨ -૦.૫૧૮
મુંબઇ ઇન્ડિયન્સ ૧૨ ૫ ૭ ૧૦ ૦.૪૦૫
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૧૨ ૫ ૭ ૧૦ ૦.૨૧૮
દિલ્હી ડેરડેવિલ્સ ૧૨ ૩ ૯ ૬ -૦.૪૭૮
* આ ટેબલમાં મંગળવારની મેચનો ઉલ્લેખ કરાયો નથી.