(એજન્સી) ચંદીગઢ, તા. ૭
૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતે શુ્‌ક્રવારે સમજૌતા ટ્રેન બ્લાસ્ટ કેસમાં પંચકુલાની એનઆઇએ કોર્ટમાં જુબાની આપી હતી. સુનાવણી દરમિયાન પુરોહિતે આ કેસનો મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદને ઓળખી પાડ્યો હતો પરંતુ એવો આગ્રહ કર્યો હતો કે મીડિયાના અહેવાલોથી જ તેને બ્લાસ્ટ વિશે જાણવા મળ્યું હતું. દિલ્હી અને લાહોર વચ્ચે દોડતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેનમાં ૨૦૦૭ની ૧૮મી ફેબ્રુઆરીએ લગભગ મધ્યરાત્રિએ બોમ્બ વિસ્ફોટ થયા હતા. પાણીપતના દિવાના રેલવે સ્ટેશન નજીક યાત્રીઓથી ભરચક બે ડબ્બામાં બોમ્બ વિસ્ફોટો થયા હતા અને ૬૮ લોકો માર્યા ગયા હતા તેમજ ઘણા યાત્રીઓ ઘવાયા હતા. આ વિસ્ફોટોમાં ભોગ બનેલા મોટાભાગના પાકિસ્તાની નાગરિકો હતા અને કેટલાક ભારતીય યાત્રીઓ પણ હતા. અધિક જિલ્લા અને સેશન્સ જજ તેમજ એનઆઇએ કોર્ટના પ્રિસાઇડિંગ ઓફિસર નીરજ કુલવંત કાલસનની કોર્ટમાં જુબાની આપતા પુરોહિતે માલેગાંવના બ્લાસ્ટ કેસની આરોપી સાધ્વી પ્રજ્ઞા સાથે ૨૦૦૭માં તેણે મુલાકાત કરી હોવાની કબૂલાત કરી હતી. તેની જુબાની મુજબ જાન્યુઆરી ૨૦૦૮માં તે અસીમાનંદને મળ્યો હતો. તે બંનેને કેવી રીતે જાણે છે ? એવું પૂછવામાં આવતા પુરોહિતે કહ્યું કે આર્મીમાં એક ગુપ્તચર અધિકારી તરીકેની તેની ફરજના સંદર્ભમાં તે બંનેને જાણતો હતો. જોકે, તેણે અસીમાનંદના અનુયાયીઓ સુનીલ જોષી અને સંદીપ ડાંગેને જાણતો હોવાનો ઇનકાર કર્યો હતો. સુનીલ અને સંદીપ સમજૌતા બ્લાસ્ટ કેસના આરોપીઓ છે. ૨૦૦૭ની ૨૯મી ડિસેમ્બરે મહારાષ્ટ્રના દેવાસના ચુનાખદાન વિસ્તારમાં બાઇક પર આવેલા બે હુમલાખોરો દ્વારા આરએસએસના પ્રચારક જોશીને ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે સંદીપની અત્યાર સુધી ધરપકડ કરાઇ નથી.