(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળનો ૨૦૧૯ની ૩૦મી મે ના રોજ આરંભ થયા બાદ પ્રથમ ૧૦૦ દિવસમાં રોકાણકારોના ૧૨.૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું ધોવાણ થયું છે. એટલે કે રોકાણકારો ૧૨.૫ લાખ કરોડ રૂપિયા ગુમાવી ચુક્યા છે. સોમવારે શેરબજાર બંધ થવાના સમયે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી કે તેમનું બજાર મૂલ્ય ૧,૪૧,૧૫,૩૧૬.૩૯ કરોડ રૂપિયા હતું. જ્યારે મોદી સરકારે સત્તા સંભાળ્યાના એક દિવસ પહેલા આ બજાર મૂલ્ય ૧,૫૩,૬૨,૯૩૬.૪૦ કરોડ રૂપિયા હતું. ૩૦ મે થી અત્યાર સુધી સેન્સેક્સ ૫.૯૬ ટકા કે ૨,૩૫૭ પોઇન્ટ્‌સ ગગડ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૩૦ મે થી અત્યાર સુધી ૭.૨૩ ટકા અથવા ૮૫૮ પોઇન્ટ ગગડી ગયો છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ વણસવાને કારણે મેટલ ઇન્ડેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. વિશ્લેષકો કહે છે કે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી હોવા છતાં ચીન સસ્તું સ્ટીલ વેચી રહ્યું હોવાથી ઘરેલું મેટલ કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે.
આઇડીબીઆઇ કેપિટલમાં રિસર્ચ વડા એકે પ્રભાકરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજા કાર્યકાળ શરૂ થવાના ઘણા સમય પહેલા જ બજારો ગગડવાનું શરૂ થઇ ગયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા બધા સેક્ટર્સના સૂચકાંકોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડેક્સ સિવાય છેલ્લા ૧૦૦ દિવસમાં નકારાત્મક રિટર્ન જ જોવા મળ્યું છે અને નિફ્ટીનો પીએસયુ બેંક ઇન્ડેક્સ તો ૨૬ ટકા ગગડ્યો છે. ગયા મહિને સરકારે સરકારી બેંકોના મોટાપાયે વિલયની જાહેરાત કરી હતી અને હવે સરકારની માલિકીની બેંકોની સંખ્યા ૧૨ થઇ જશે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ શેરબજારમાં ઘટાડાના કારણોમાં આર્થિક વૃદ્ધિ દરની ધીમી ગતિ ઉપરાંત વિદેશી ફંડ્‌સનું દેશ બહાર જવા અને કોર્પોરેટ્‌સની ઓછી કમાણીનો સમાવેશ થાય છે. ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જુલાઇમાં રજૂ કરવામાં આવેલા એનડીએ સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં વિદેશી રોકાણકારો પર પણ સુપર રિચ ટેક્સ લાગુ કરી દેતા વિદેશી રોકાણકારો તરફથી વેચવાલીનું દબાણ વધી ગયું છે. જોકે, આ ટેક્સને એક મહિના પછી પાછો ખેંચી લેવામાં આવ્યો છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર (એફપીઆઇ) સરકારની રચના બાદથી અત્યાર સુધી ૨૮,૨૬૦.૫૦ કરોડ રૂપિયાના શેર વેચી ચુક્યા છે.