(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા. ૯
રાજકોટના શાપર-વેરાવળ હાઈવે પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના ચકચારભર્યા પ્રકરણમાં આજે રાજયની કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની ટીમ શાપર પહોંચી હતી અને ગોડાઉનમાંથી મગફળી સહિતના જરૂરી સેમ્પલ લીધા હતા. બીજીબાજુ, સમગ્ર મામલામાં સીઆઇડી ક્રાઇમે જુદી જુદી ટીમોના આધારે તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. મગફળીના ગોડાઉનમાં લાગેલી ભયંકર આગ ચાર દિવસ બાદ આજે લગભગ કાબૂમાં લઇ લેવાઇ છે. રવિવારે મોડી રાત્રે ભડકેલી આગમાં રૂ. ૪.૪૧ કરોડની કિંમતની મગફળીની ૨૮,૦૦૦ ગુણી (એક ગુણીનું વજન ૩૫ કિલો) આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. છેલ્લા ચાર મહિનામાં મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાની આ ૪થી ઘટના છે. છાશવારે મગફળીના ગોડાઉનોમાં આ પ્રકારે લાગતી આગ અને તેમાં મગફળીના વિશાળ જથ્થાને ભસ્મીભૂત કરી નાંખવાના ષડયંત્રને લઇ ખેડૂતોમાં પણ ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. જોકે, છેલ્લા ચાર મહિનામાં ગાંધીધામ, ગોંડલ તેમજ જામનગરના હાપામાં આવેલા ગોડાઉનોમાં આગ લાગી ચૂકી છે અને હવે રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ વધુ એક ઘટના નોંધાતા રાજય સરકાર પણ આ આગના વિવાદમાં ફસાઇ છે. બીજીબાજુ, ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યા બાદ તેમાં મોટામાથાઓ દ્વારા કૌભાંડ આચરી મગફળી બારોબાર સગેવગે કરી નાખ્યા બાદ પૂરતો સ્ટોક બતાવવા માટે મગફળીમાં ધૂળ ભેળવી દેવામાં આવે છે.