અમદાવાદ, તા.૯
જીએસટીનો ટેક્ષ લાદી દેવાતા અનેક નાના-મોટા ઉદ્યોગો પડી ભાંગે તેમ છે. ગુજરાતમાં વર્ષોથી ચાલતા પતંગ ગૃહઉદ્યોગ ઉપર પણ જીએસટી લગાવી દેતા આ ઉદ્યોગ મરણપથારીમાં પડ્યો છે ત્યારે પતંગના ગૃહ ઉદ્યોગને ઢીલ આપવા જીએસટીના અસહ્ય ટેક્ષનો પેચ કાપવા ગુજરાત કાઈટ મેન્યુફેક્ચર્સ એસોસિએશને રવિવારે છેલ્લો પતંગોત્સવ ઉજવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકારે પતંગ ઉદ્યોગ ઉપર જીએસટીનો ટેક્ષ લગાવતા તેની સામે વિરોધ નોંધાવવા ગુજરાત કાઈટ મેન્યુફેક્ચર્સ એસોસિએશને અગાઉ ધરણા પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં સરકારે તેમની નોંધ સુદ્વા ન લેતાં રવિવારે ગુજરાત કાઈટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનને જીએસટી હટાવવાની માગ સાથે શહેરના રિવરફ્રન્ટ ગુર્જરી બજાર નજીક છેલ્લો પતંગોત્સવ ઉજવ્યો હતો. જેમાં પતંગના ઉત્પાદકોએ ભેગા મળીને જીએસટી હટાવો પતંગ ગૃહ ઉદ્યોગ બચાવોના સૂત્રો લખેલા પતંગો ઉડાડીને અનોખો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન બાદ પતંગના ઉત્પાદકોએ નિર્ણય કર્યો હતો કે જીએસટી પરત નહીં ખેંચાય તો નવા પતંગ દોરી બનાવવામાં આવશે નહીં.
આ અંગે પતંગ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના નસીરૂદ્દીને મીડિયાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વર્ષથી કાઈટ ફેસ્ટિવલમાં લાખો રૂપિયા ખર્ચી ઉજવણી કરે છે ત્યારે આ પતંગ દોરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના બદલે તેના ઉપર જીએસટી લાદી દેવામાં આવ્યો છે. જેના લીધે અમદાવાદ, સુરત, નડિયાદ, ડભોઈ સહિત ગુજરાતના નાના-મોટા શહેરોમાં પતંગ દોરીના હજારો ઉત્પાદકો, વેપારીઓ મુશ્કેલીમાં મૂકાય તેવી સંભાવના છે ત્યારે પતંગ ઉદ્યોગ પરનો પાંચ ટકા જીએસટી પરત ખેંચી લેવા અંગે એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ મામલો કોઈ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી અને જીએસટી રદ ન કરાતા પતંગ ઉત્પાદકો અને વેપારીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે મરણ પથારીએ પડેલા પતંગ ઉદ્યોગને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પતંગ મહોત્સવ યોજીને આ ઉદ્યોગને ફરી બેઠો કર્યો હતો. ત્યારે હવે જીએસટીના લીધે ફરી આ ઉદ્યોગ મરણપથારીએ પડ્યો છે ત્યારે વડાપ્રધાન મોદી ફરી આ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકવા જીએસટીને હટાવે તેવી માગ પતંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.