અમદાવાદ,તા. ૨૩
ગુજરાતભરમાં જે વિસ્તારની જમીનો ખાણ અને ખનીજ તત્વોથી ભરપૂર છે તેની રેવન્યુ રેકર્ડમાં સાત-બારના ઉતારામાં ખાસ એન્ટ્રી કરવા અને આવી કોઇપણ જમીનો તપાસ કે ખરાઇ કર્યા વિના બારોબાર ઇન્ડસ્ટ્રીઝ કે અન્ય કોઇપણ હેતુ માટે ફાળવી નહી દેવા દાદ માંગતી ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર, રાજયના મુખ્ય સચિવ, ખાણ અને ખનીજ વિભાગના સચિવ, જીઓલોજી કમિશનર, રાજયના મહેસૂલ સચિવ, દ્વારકાના કલેકટર અને અમદાવાદના સેટેલાઇટની રોહિત સરફેકશન પ્રા.લિ. ને કારણદર્શક નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. જાહેરહિતની રિટમાં દેવભૂમિ દ્વારકાનો ખૂબ જ સંવેદનશીલ કિસ્સો ટાંકવામાં આવ્યો છે કે, જયાં ખાણ અને ખનીજ કાયદા અને તેની જોગવાઇઓનો સરેઆમ ભંગ કરી લાઇમસ્ટોન સહતિના ખનીજતત્વોથી સમૃધ્ધ જમીનનો હિસ્સો ખાનગી કંપનીને ફેકટરી ઉભી કરવા માટે સરકારના સત્તાવાળાઓએ રૂ.૭૨.૯૫ કરોડમાં પધરાવી દીધો. જેના કારણે સરકારી તિજોરીને જાહેરહરાજી, રોયલ્ટી સહિતની સૂચિત બાબતોને લઇ અંદાજે રૂ.૨૦ હજાર કરોડનું નુકસાન પહોંચ્યું છે. અરજદાર ખેડૂત ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરાયેલી પીઆઇએલમાં એડવોકેટ સત્યમ છાયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના કુંરગા અને તેની આસપાસના ગામોની જમીનમાં રહેલા લાઇમસ્ટોન સહિતના ખાણ અને ખનીજતત્વોને લઇ અગાઉ સર્વે અને રિસર્ચ કરાયા હતા. જેમાં એ, બી, સી અને ડી બ્લોક પાડવામાં આવ્યા હતા. ડી બ્લોક કુરંગા ગામની જમીનમાં પડતો હતો કે જેની નીચે જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ૧૩૬ મિલયીયન મેટ્રિક ટન કરતાં પણ વધુ લાઇમસ્ટોન સહિતના ખનીજ તત્વો ઉપલબ્ધ છે. તેમછતાં દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા ખાણ અને ખનીજ કાયદાના નિયમો અને જોગવાઇઓનો સરેઆમ ભંગ કરીને રૂ.૭૨.૯૫ કરોડમાં ખનીજ તત્વોથી સમૃધ્ધ એવી ઉપરોકત કિંમતી જમીન રોહિત સરફેક્શન પ્રા.લિને બારોબાર આપી દીધી. કાયદાકીય જોગવાઇ મુજબ, આ પ્રકારે જો જમીન ફાળવવી હોય તો, જીઓલોજી કમિશનર પાસેથી જરૂરી એનઓસી લેવાનું હોય છે અને કેન્દ્ર સરકારની મંજૂરી પણ મેળવવી પડે પરંતુ પ્રસ્તુત કિસ્સામાં કોઇપણ નિયમો કે જોગવાઇઓનું પાલન કર્યા વિના બારોબાર ઉપરોકત ખાનગી કંપનીને મહામૂલી જમીન પધરાવી દેવાઇ છે. અરજદારપક્ષ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ કરાવવા, ખાનગી કંપનીને ઉપરોકત જમીન પર કોઇપણ પ્રકારનું બાંધકામ કરતી અટકાવવા અને રાજયભરની તમામ જમીનો કે જયાં ખાણ અને ખનીજ તત્વો પ્રાપ્ય છે તે જમીનોની સાત-બારના ઉતારામાં એન્ટ્રી કરવા સહિતની મહત્વની દાદ પણ પીઆઇએલમાં માંગવામાં આવી હતી.