જૂનાગઢ, તા. ૩૦
જૂનાગઢ શહેરમાં ધારાગઢ દરવાજા વિસ્તારમાં સરકારી પાણીના ટાંકામાંથી પાણી લેવા પ્રશ્ને મારામારીનો બનાવ બન્યો છે અને સામસામી ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર નજમાબેન મજીદખાન પઠાણ (ઉ.વ.૩ર, રહે.ધારાગઢ દરવાજા પાસે)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાના મકાનના પાયામાં સરકારી પાણીના ટાંકામાંથી પાણી લઈ પાયામાં નાંખતા હોય જે બાબતે નવાઝખાન દાઉદખાન પઠાણ, બીબીબહેન તેમજ નગ્માબેન, વગેરેએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી તેમજ નવાઝખાને લોખંડની ફરસી વડે ફરિયાદીના પતિને માથાના ભાગે ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. જ્યારે સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં નવાઝખાન દાઉદખાન પઠાણ (ઉ.વ.૧પ, રહે. ધારાગઢ દરવાજાવાળા)એ એવી ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ઘર પાસે નગપાલિકાનો પાણીનો ટાંકો રાખેલ છે તેમાંથી મજીદખાન તેમજ નજમાબેન નળી ફીટ કરી અને પોતાના મકાનના પાયામાં પાણી નાંખતા હોય ફરિયાદીએ ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ અને ઢીકાપાટુનો મારમારી તેમજ મજીદખાને છરી વડે હુમલો કરી ફરિયાદીના ડાબા હાથના કાંડા પાસે ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે આ બનાવની વધુ તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેેશનના પીએસઆઈ એમ.કે. ઓડેદરા ચલાવી રહ્યા છે.