ગોધરા, તા.૯
ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં વાહન હટાવવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી ત્રણ ટીયર ગેસના સેલ છોડ્યા હતા બાદમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગતરાત્રીના સુમારે ગોધરા શહેરના અતિ સંવેદનશીલ એવા ખાડી વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલ મારામારીએ ઊગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જૂથ વચ્ચે થયેલ મારામારીને પગલે વિસ્તારમાં તંગદિલી પ્રસરી ગઈ હતી. બંને પક્ષો દ્વારા સામસામે પથ્થરમારો શરૂ કરતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો તેમજ પરિસ્થિતિને કાબૂમાં લેવા ત્રણ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ જૂથ અથડામણમાં ૮ કરતા વધુ લોકોને ઈજા પહોંચી હતી જેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે એકને વધુ ગંભીર ઈજા થતાં વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવના પડઘા વધુ ન પડે તે માટે પોલીસ દ્વારા ઘટનાસ્થળ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જૂથ અથડામણના બનાવમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આ સ્થળ ઉપર કાયમી પોલીસ પોઈન્ટ મૂકવા લોકમાંગ ઊઠી છે. બીજી તરફ નાની-નાની વાતોમાં ખાડી ફળિયામાં ઉગ્ર સ્વરૂપ ધારણ થવાના કારણે તંત્ર દોડતું થયું છે.