(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.પ
જૂનાગઢમાં અગાઉના મનદુઃખ પથ્થરો અને સોડા બોટલના ઘા મારી ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આરોપીઓ વિરૂદ્ધ રાયોટીંગ સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે ‘એ’ ડિવિઝન પોલીસે આપેલી વિગત અનુસાર પ્રદીપના ખાડિયા વિસ્તારમાં બનેલા બનાવ અંગે સંજય ઉર્ફે ચનો કિશનભાઈ સોલંકી (ઉ.વ.૩૦)એ નિરજ ઉર્ફે ટારઝન ડાયાભાઈ, કાલીયો ચનાભાઈ, ગાંધી, ઝફરો, નાઘુબેન હરીસ્વામી, ઉજીબેન જેન્તીભાઈ વગેરે સામે ફરિયાદ નોંધાવેલ છે કે, અગાઉના મનદુઃખના કારણે આરોપીઓએ એકસંપ કરી ફરિયાદીના ઘર ઉપર છુટ્ટા પથ્થરો તથા સોડા બોટલોના ઘા મારી ફરિયાદી પ્રગતિબેન તથા કિશોરભાઈને મુંઢમાર મારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જ્યારે આ બનાવના અનુસંધાને સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. જેમાં નિરજ ઉર્ફે ટારઝન ડાયાભાઈ પરમાર (ઉ.વ.ર૭) (રહે.પ્રદીપના ખાડિયા)એ કિશોર સોમાભાઈ સોલંકી, રવિ સોમા, રવિ બાબુ, સંજય ઉર્ફે ચનો કિશોરભાઈ, હાજીબેન વગેરે સામે ફરિયાદ નોંધાવેલ છે કે, અગાઉના મનદુઃખે આ આરોપીઓએ ફરિયાદીના ઘર ઉપર પથ્થરો અને સોડા બોટલના ઘા મારતાં ફરિયાદના ડાબા ગાલે તથા જમણા પગે ઈજા પહોંચાડી છે. આ બંને ફરિયાદ ઉપરથી પોલીસે બંને પક્ષમાં આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ પ્રદીપ ખાડિયા પોલીસ ચોકીના પી.એસ.આઈ. જે.પી. ગોસાઈ ચલાવી રહ્યા છે.