અમદાવાદ,તા. ૮
કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતો રદ કરવા મુદ્દે કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા સાંજે અરજન્ટ ધોરણે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી. કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે મતદાન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના બંને અધિકૃત એજન્ટોને તેમનો મત બતાવ્યો હતો અને તેથી ચૂંટણી નિયમો-જોગવાઇ મુજબ, આ બંને ધારાસભ્યોના મતો રદ થવાને પાત્ર ઠરે છે, તેથી તેમના મત રદ કરવા જોઇએ. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના આ બંને ધારાસભ્યોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપૂતને તેમના મતો બતાવ્યા હતા, જે ગેરકાયદે છે અને તેથી તેમના મતો રદ થાય.
મોડી સાંજે ભાજપે પણ ચૂંટણી પંચને રજૂઆત કરી
કોંગ્રેસની ફરિયાદને પગલે ગુજરાતની રાજયસભાની ચૂંટણીની મતગણતરી બે કલાક કરતાં વધુ સમય સુધી અટકેલી રહેતાં મોડી સાંજે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અરૂણ જેટલી,, રવિશંકર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવી અને પિયુષ ગોયેલ પણ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવા દોડી ગયા હતા. ભાજપ તરફથી કેન્દ્રીય ચૂંટણી પંચને કોંગ્રેસની ફરિયાદ અસ્થાને હોવાની અને ટકી શકે તેમ ન હોઇ તેને ફગાવી દેવા રજૂઆત કરાઇ હતી. ભાજપના બંને રાષ્ટ્રીય નેતાઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના બળવાખોર નેતાઓ રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે સવારે ૯-૨૦ મિનિટે મતો મતપેટીમાં નાંખ્યા હતા તો કોંગ્રેસે એ વખતે કેમ ફરિયાદ ના ઉઠાવી અને હવે કોંગ્રેસને તેની હાર દેખાઇ ત્યારે ખોટા વાંધાઓ ઉઠાવી મતગણતરીની પ્રક્રિયા વિલંબિત કરી રહી છે.
ભાજપ બાદ કોંગ્રેસના નેતાઓ ફરી ચૂંટણીપંચને મળ્યા
ભાજપના નેતાઓ કેન્દ્રીય ચૂંટણી પંચને રજૂઆત કરી નીકળ્યા કે તરત જ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આનંદ શર્મા અને રણદીપ સૂરજેવાલા પણ કેન્દ્રીય ચૂંટણીપંચને ફરી મળવા આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ બળવાખોર ધારાસભ્યોના મતો ગેરકાયદે હોઇ તેને રદ કરવા માંગણી કરી હતી. કોંગ્રેસના બંને રાષ્ટ્રીય નેતાઓએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સત્તાની લાલચમાં લોકશાહીના મૂલ્યો નેવે મૂકી રહી છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ પર પણ દબાણ કરી રહી છે.
ભાજપ બીજીવાર ચૂંટણીપંચના દ્વારે
કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રીય ચૂંટણી પંચને બીજીવાર ફરિયાદ કરી બહાર આવ્યા કે તરત જ ભાજપના નેતાઓ પણ બીજીવાર ચૂંટણીપંચને મળવા દોડી ગયા હતા અને કોંગ્રેસની રજૂઆત ખોટી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
કોંગ્રેસ ત્રીજીવાર ચૂંટણીપંચ પહોંચી
ભાજપના નેતાઓ બીજીવાર ચૂંટણીપંચને મળીને બહાર આવ્યા બાદ કંઈક રંધાયું હોવાની જાણ થતાં કોંગ્રેસના નેતાઓ ત્રીજીવાર ચૂંટણીપંચને મળવા દોડયા હતા પરંતુ પંચે મળવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ ભાજપે પણ ત્રીજીવાર મળવાનો પ્રયત્ન કર્યો હતો.
સામસામે ફરિયાદ

Recent Comments