(એજન્સી) તા.૨૯
જ્યારે આંધ્ર પ્રદેશમાં એક જૂના સ્મશાનના રીનોવેશનનું કામ મજૂરોએ અંધશ્રદ્ધા અને ભૂતના ડરથી અટકાવી દીધું ત્યારે આ સ્થિતિ સાથે કામ લેવા આંધ્રના એક ધારાસભ્યએ એક અનોખી પદ્ધતિ અપનાવી. પાલાકોલુના ધારાસભ્ય નિમ્મુમાલા રામાનાયડુએ સ્મશાનમાં કામ કરવાનો ઇનકાર કરનાર મજૂરોના ડરને નાબૂદ કરવા સ્મશાનમાં જ ત્રણ રાત સુધી સૂતા રહ્યા. સ્મશાનમાં એક ફોલ્ડીંગ પલંગ પર સૂતેલા ધારાસભ્યની તસવીર હવે વાઇરલ બની ગઇ છે. આંધ્રપ્રદેશના પ.ગોદાવરી જિલ્લામાં ટીડીપીના ધારાસભ્ય નિમ્માલા રામાનાયડુએ આ પગલું એટલા માટે ઉઠાવ્યું હતું કે જેથી સ્મશાનના નવીનીકરણમાં લાગેલા મજૂરોનો ભૂતનો ડર કાયમ માટે દૂર થઇ જાય. નાયડુએ મીડિયાને જણાવ્યું હતું કે હું સ્મશાનમાં ત્રણેક દિવસ સુધી સૂવાનો છું. તેનાથી શ્રમિકોમાં આત્મવિશ્વાસ ઊભો થશે કે જેઓ બાંધકામના કાર્યમાં જોડાવા માટે સ્મશાન સંકુલમાં પ્રવેશ કરતા ડરી રહ્યા હતા. ધારાસભ્ય નાયડુએ જણાવ્યું હતું કે શહેરમાં હિંદુ સ્મશાન દાયકાઓ સુધી ઉપેક્ષિત રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મૃતકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં યોગ્ય સુવિધાઓ નથી. વરસાદ દરમિયાન સ્મશાનના મેદાનમાં પાણી ભરાઇ જાય છે અને પગ મૂકવા જેવી એક પણ જગ્યા રહી નથી.
અંતિમ સમસ્કાર બાદ લોકોના નાહવા માટે પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. આમ સ્મશાનના રીનોવેશનનું કાર્ય સંપન્ન થાય તે માટે કારીગરો અને મજૂરોના મનમાંથી ભૂતનો ડર મિટાવવા માટે આ ધારાસભ્યએ સ્મશાનમાં માત્ર ભોજન જ ન લીધું પરંતુ રાત્રે ચાદર ઓઢીને સૂઇ પણ ગયા. સવારે ઊઠ્યા બાદ સ્નાન કર્યુ અને ચા પીધી. આવું કરવા પાછળ તેમનો હેતુ પ્રામાણિક હતો અને તેમને તેમાં સફળતા પણ મળી. ટ્‌વીટર પર પણ આ ધારાસભ્યની ખૂબ જ પ્રશંસા થઇ.