(એજન્સી) નોઇડા, તા. ૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇને નોઇડાના સેક્ટર ૮૧માં વિશ્વની સૌૈથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સેમસંગ કંપની નોઇડામાં પોતાના મેન્યુફ્ેક્ચરિંગ યુનિટનું વિસ્તરણ કરી રહી છે. આ માટે કંપનીએ ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઉદઘાટન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, આ આયોજન ભારતના લોકોમાં સશક્તિકરણમાં યોગદાન આપશે અને મેક ઇન ઇન્ડિયાને પણ ગતિ આપશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત હવે મોબાઇલ મેન્યુફ્કચરિંગનું હબ બન્યું છે અને વર્ષ ૨૦૧૪માં બેની સરખામણીએ હવે ભારતમાં ૧૨૦ મોબાઇલ મેન્યુફ્ેકચરિંગ યુનિટ થઇ ગયા છે. તેમણે ઉમેર્યું કે, આનાથી દર મહિને એક કરોડ મોબાઇલ હેન્ડસેટ બનાવવામાં આવશે. ઉપરાંત આમાંથી ૫૦ યુનિટોમાં આશરે ચાર લાખ લોકોને રોજગાર મળશે. મેક ઇન ઇન્ડિયા વિશે તેમણે કહ્યું કે, આ આર્થિક નીતિનો ભાગ જ નથી પણ દક્ષિણ કોરિયા જેવા સાથી દેશો સાથે સંબંધ વધારવા માટેના મોટા પ્રયાસો પણ છે. ગામડાઓમાં સારી સુવિધા આપવા માટે દેશભરમાં ૩ લાખ સર્વિસ સેન્ટરો સ્થપાયા છે. ગરીબ અને મધ્યમવર્ગની અપેક્ષાઓને પાંખો આપવા માટે દરેક શહેરોમાં ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટની સુવિધા શરૂ કરાઇ છે. દક્ષિણકોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે પ્રથમવાર ભારતની મુલાકાતે આજે આવ્યા હતા જેમાં તેઓએ વડાપ્રધાન મોદી સાથે પેનિનસૂલા વિવાદ ઉપરાંત વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે પણ મહત્વની ચર્ચા કરી હતી.