(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.ર૦
ચકચારી ભાવનગરમાં બ્રાહ્મણ પરિવારનાં સામૂહિક આપઘાત પ્રકરણનું સાચું કારણ હજુ અકબંધ છે. શહેરના સિદસર રોડ પર આવેલ સત્યમ રેસીડેન્સીના પ્લોટ નંબર ૮૩માં રહેતા અને સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશભાઈ હસમુખભાઈ ઉપાધ્યાયે બુધવારે સાંજના કોઈ પણ સમયે પત્ની હિરલબેન અને આ ર વર્ષના માસુમ પુત્ર ભાવિક સાથે કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત વ્હોરી લેતા શહેરમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાના પગલે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં નિલેશભાઈએ લખેલી સુસાઈડનોટ મળી આવતા કબ્જે લીધી હતી.
જો કે સુસાઈડ નોટમાં આપઘાત અંગેનું કોઈ સ્પષ્ટ કારણ દર્શાવ્યું ન હોય પોલીસે આર્થિક સંકડામણના પગલે નિલેશભાઈએ અંતિમ પગલું ભર્યુ હોવાના અનુમાન સાથે પોલીસે સ્થાનિક રહીશો, નિલેશભાઈના પરિવાર, સ્નેહીઓ ઉપરાંત તેમના ભાગીદારોના લીધેલા નિવેદનો અને પુછપરછમાં નિલેશભાઈને આર્થિક ભીંસ ન હોવાનું ખુલ્યું હતું. તો બીજી બાજુ પત્ની પુત્ર સાથે અંતિમ પગલું ભરી લેનારે નિલેશભાઈ મોંઘીદાટ કાર અને અન્ય સુવિધાઓ ધરાવતા હોય ઉપરાંત તેમના ભાગીદારો પણ આર્થિક ભીસ હોવા અંગે ઈન્કાર કરી રહ્યા છે. ત્યારે પોલીસ પણ વિચાર કરતી થઈ છે.
દરમ્યાનમાં પોલીસે નિલેશભાઈની લખેલી મનાતી સુસાઈડ નોટનાં અક્ષરો મેચ કરવા તેના સસરા, પુત્ર-ભાવિકના સાથી વિદ્યાર્થીઓના વાલીઓ, શાળાના સંચાલકો પાસેથી લેખિત આધાર મેળવવા મથામણ હાથ ધરી છે. હાલના સંજોગોમાં તો આ ચિઠ્ઠી નિલેશભાઈની જ છે. તેમ મનાય રહ્યું છે. હજુ આ પરિવારે આપઘાત શા માટે કર્યો તેનું સાચુ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આ બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.