જામનગર,તા.૮
જામનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીના પ્રશ્ને સરકારી તંત્ર દ્વારા કોઇ પ્રકારની તંગી નહી હોવાની કરવામાં આવતી જાહેરાત સામે જામનગર તાલુકાના ચેલા ગામના લોકોને છેલ્લા એક-બે મહિનાથી પીવાનું પાણી નહી મળતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ સાથે આ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો આવતીકાલે સવારે ૧૦ વાગ્યા સુધીમાં પાણી નહી મળે તો જિલ્લા કલેકટર કચેરીએ સામુહિક આત્મવિલોપન કરશે તેવી ચીમકી અધિકારીઓને પાઠવેલા પત્રમાં આપવામાં આવી છે. શહેર અને જિલ્લા કક્ષાએ પાણી અંગે મળતી સંકલન સમિતિની બેઠકોમાં અધિકારીઓ દ્વારા સમસ્યા નહી હોવાની બાબતોના ફણગાં ઉચ્ચારી ઉપિસ્થત ધારાસભ્યો સહિતના સર્વે લોકોને ઉલ્ટા ચશ્મા પહેરાવવાની નીતિ અખત્યાર કરવામાં આવતી હોય તેમ જામનગર નજીકના જ ચેલા ગામમાં છેલ્લા એક-બે મહિનાથી ગ્રામજનોને પીવાનું પાણી નહી મળતા આ ગામના સરપંચ રાજેન્દ્રસિંહ ભટ્ટી દ્વારા પાણી પ્રશ્ને અવારનવાર સરકારી તંત્રોમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા તેઓની આ ફરિયાદ પ્રત્યે તદ્ધન લાપરવાહી દાખવવામાં આવતા ચેલા ગામના લોકોમાં ઉગ્ર પ્રસરી જવા પામ્યો હતો. આવતીકાલે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ચેલા ગામને પીવાનું પાણી પુરૂં પાડવામાં નહી આવે તો સરપંચ સહિત ગ્રામજનો જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં સામુહિક આત્મવિલોપન કરશે તેવા લેવાયેલ નિર્ણયના સંદર્ભે જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયતના પ્રમુખ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય, પાણી પૂરવઠા બોર્ડના લગત અધિકારીઓને આ અંગે પત્ર પાઠવી જાણ કરવામાં આવી છે. ચેલા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોની સામુહિક આત્મવિલોપનની કરવાની અપાયેલી ચીમકીના પગલે સરકારી તંત્રમાં ભારે અફડાતફડીનો માહોલ સજારન જવા પામ્યો છે, સાથોસાથ ચેલા ગામના લોકો આત્મવિલોપન કરે નહી તે માટે તાકીદની અસરથી વહીવટી તંત્ર દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે, જ્યારે બીજી બાજુ અધિકારીઓ દ્વારા ચેલા ગામને આવતીકાલે સવાર સુધીમાં પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે તેવા પ્રયત્નો પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.