(એજન્સી) તા.૧૧
૯ ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રમાં કિસાન લોંગ માર્ચના આયોજકોએ જેલભરો આંદોલન યોજીને પોતનું વચન પાળી બતાવ્યું. ઓલ ઇન્ડિયા કિસાન સભા અને સીપીઆઇ સંલગ્ન સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (સીટુ) જેલો ભરવાની પોતાની મિશનમાં તેમજ ખેડૂતો માટે વધુ સારા પગલા અને રાહતની માગણીમાં સફળ ગયા હોય એવું લાગે છે. એક સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે થાણે-પાલઘર જિલ્લામાં ૨૧૦૦૦ લોકોએ, નાસિક જિલ્લામા ૧૮૦૦૦ લોકોએ, સોલાપુર જિલ્લામાં ૫૦૦૦ લોકોએ ધરપકડ વહોરી હતી.
મહારાષ્ટ્રના ૨૫ જિલ્લાઓમાં એઆઇકેએસ અને સીટુ દ્વારા જેલભરો આંદોલનને પ્રચંડ સફળતા મળી છે. થાણે-પાલઘર, નાસિક અને સોલાપુરના ત્રણ જિલ્લાઓમાં લગભગ ૪૫૦૦૦ લોકોએ ધરપકડ વહોરી હતી. તેમણે મોદીના વડપણ હેઠળ કોર્પોરેટ તરફી, પ્રજા વિરોધી, કોમવાદી તેમજ ભાગલાવાદી ભાજપ-આરએસએસ સરકાર સામે આંદોલન છેડ્યું છે અને પક્ષને ભાજપ હટાઓ દેશ બચાઓના સૂત્રો સાથે ક્વીટ ઇન્ડિયાનો નારો આપ્યો હતો.
દરેક સ્થળોએ ૫ સપ્ટે.ના રોજ આયોજિત મજદૂર-કિસાન સંઘર્ષ રેલી અને ૪ સપ્ટે.મહિલા વિરોધ રેલી દિલ્હીમાં પ્રચંડ રીતે સફળ બનાવવા એલાન આપવામાં આવ્યું છે. થાણે-પાલઘરમાં ભારે વરસાદ અને ડાંગરની લળણીનું કામ છોડીને ૨૧૦૦૦થી વધુ લોકોએ ચક્કાજામ કર્યા હતા અને સાત તાલુકા કેન્દ્રોમાં ૨૧૦૦૦ લોકોએ ધરપકડો વહોરી હતી. ઓલ ઇન્ડિયા કિસાન સભાના પ્રમુખ ડો.અશોક ધાવાલે દહાણુ ખાતે ધરપકડ વહોરી હતી.
આ ઉપરાંત સંગઠનના અન્ય નેતાઓએ પણ જુદા જુદા સ્થળોએ ધરપકડો વહોરી હતી. નાસિક જિલ્લાના ૯ તાલુકામાં ૧૮૦૦૦થી વધુ લોકોએ ચક્કાજામ અને જેલભરો આંદોલનમાં ભાગ લીધો હતો. એ જ રીતે સોલાપુરમાં સીટુના વડપણ હેઠળ બે કેન્દ્રો ખાતે ૫૦૦૦થી વધુ કાર્યકરોએ ધરપકડ વહોરી હતી. માર્ચમાં નાસિકથી ૧૦૦ કિ.મી. લાંબી કૂચ બાદ ૪૦થી ૫૦૦૦૦ ખેડૂતોએ મુંબઇને બાનમાં લીધું હતું.