(એજન્સી) તા.૧૯
બીબીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની દીકરી સના ગાંગુલીએ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરી ભાજપ સરકાર અને આરએસએસ પર આક્રમક પ્રહારો કર્યા છે. સૌરવ ગાંગુલીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર તેમની દીકરીની પોસ્ટ શેર કરી હતી. જેમાં સના ગાંગુલીએ જાણીતા લેખક ખુશવંતસિંહના પુસ્તક ધ એન્ડ ઓફ ઈન્ડિયાના પુસ્તક ધ એન્ડ ઓફ ઈન્ડિયાના કેટલાક ભાગને ટાંકીને દેશમાં પ્રવર્તમાન સ્થિતિને ફાસીવાદ સાથે સરખાવી હતી. ખુશવંતસિંહનુું આ પુસ્તક ર૦૦૩માં પ્રકાશિત થયું હતું, તેમાં ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો અને ર૦૦રમાં ગુજરાતમાં થયેલા મુસ્લિમ વિરોધી રમખાણોનો ઉલ્લેખ છે. સના ગાંગુલીએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, “દરેક ફાસીવાદી શાસનને આગળ વધવા માટે એવા સમુદાયોની જરૂર હોય છે, જે દ્વેષ ફેલાવી શકે. આની શરૂઆત એક અથવા બે સમૂહોથી થાય છે, પરંતુ તેનો કયારેય અંત થતો નથી. નફરતના આધારે તૈયાર થયેલું આંદોલન તેને સતત ટકાવી રાખવા માટે ફક્ત ભય ઉત્પન્ન કરે છે. સામ્યવાદી ઈતિહાસકારો અને પશ્ચિમી વિચારધારાવાળા લોકો પહેલાંથી જ સંઘનું લક્ષ્યાંક રહ્યા છે.” આ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, “કાલે આ લોકો સ્કર્ટ પહેરનારી સ્ત્રીઓ સાથે નફરત કરશે, જે લોકો માંસ ખાય છે. દારૂ પીવે છે. વિદેશી ફિલ્મો જુએ છે. મંદિરોમાં નથી જતા, દંતમંજનને બદલે ટુથપેસ્ટનો ઉપયોગ કરે છે. જય શ્રીરામ બોલવાને બદલે કોઈની સાથે હાથ મિલાવીને વાત કરે છે, તે બધાથી નફરત કરવામાં આવશે. કોઈપણ સુરક્ષિત નથી. જો આપણે ભારતને જીવિત રાખવાની આશા રાખીએ છીએ તો આપણને તેનો અંદાજ હોવો જોઈએ.

સૌરવ ગાંગુલીની વિનંતી : મારી દીકરીને સીએએની ચર્ચામાંથી બહાર રાખો

(એજન્સી) તા.૧૯
બીસીસીઆઈના અધ્યક્ષ અને પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની દીકરીએ સિટિઝનશીપ એક્ટ વિરૂદ્ધ પોસ્ટ લખતા સૌરવ ગાંગુલીએ ટિ્‌વટ કર્યું હતું કે, “મહેરબાની કરી સનાને આ બધા મુદ્દાઓથી દૂર રાખો. આ પોસ્ટ સાચી નથી. રાજકારણ વિશે કશું જાણવા માટે હજી તેની ઉંમર ઘણી નાની છે.”