(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
સુરત શહેરના અડાજણ એલ.પી. સવાણી રોડ ઉપર આવેલી મેટલ ક્રાફટ કન્સ્ટ્રર્ક્સ પ્રા. લિમિટેડના સંચાલકોએ ૪૪ કર્મચારીના ઈપીએફ પેન્શનના નાણાં કલેઈમ માટે બોગસ દસ્તાવેજા બનાવી ભવિષ્યનિધિ સંગઠન રિજનલ ઓફિસમાં રજૂ કરી ૪૪ કર્મચારીના રૂા.૧૧,૪૭,૩૮૩ ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ એલ.પી. સવાણી રોડ, શિવાલિંક વેસ્ટર્ન ઓફિસ નં. ૩૦૩માં આવેલી મેટલ ક્રાફટ કન્ટ્રક્ટર્સ પ્રા. લિમિટેડ કંપનીના વહીવટી મેનેજર દિનેશ દિવાકરન, સુધાકરન ડી.એસ, સુનિલ કુમાર એસ. અનિશકુમાર એસ., સુધર્મા સુધાકરન, વૈશાખ એસ., સુજા સુધાકરન, રેજીડી, બીજુ આર તથા રાખી આર, અભિલાષ પી., સમીજા એસ. વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કંપનીના ૪૪ કર્મચારીઓના ઈ.પી.એફ પેન્શન ફંડના નાણાં માટેના કલેઈમ જે તે કર્મચારી પાસે ભરાવી આરોપીઓએ અધિકૃત અધિકારી તરીકે સહી કરી બેન્ક એકાઉન્ટની બોગસ પાસબુકો કર્મચારીઓના નામે બનાવી ભવિષ્યનિધિ સંગઠન રિજનલ ઓફિસ ઘોડદોડ રોડ ખાતે રજૂ કરી હતી અને ૪૪ કર્મચારીઓના ઈપીએફ પેન્શન ફંડની કુલ રૂા.૧૧,૪૭,૩૮૩ ઉપાડી લઇ છેતરપિંડી કરી હતી. બનાવ સંદર્ભે ભવિષ્યનિધિ સંગઠનના ઉમેશકુમાર મદનલાલ ગુપ્તાએ અડાજણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ ફરિયાદ સંદર્ભે પો.ઈ. એમ.એમ. દિવાને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.