(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૮
સુરતના ટયુશન કલાસમાં બનેલી ગોઝારી ઘટના બાદ વડોદરામાં ફાયર સેફટીના સાધનો વિના ધમધમતા ટયુશન કલાસો પર પાલિકાની ગાજ ગાજી છે. છેલ્લાં ચાર દિવસથી પાલિકા દ્વારા થતા ચેકીંગમાં આજે પણ ફાયર સેફટીના નિયમોનાં પાલન મામલે ટયુશન સંચાલકો તથા કોમર્શિયલ સ્થળોએ ચેકીંગનો ધમધમાટ ચાલું રહ્યો હતો. આ સાથે તંત્રએ નોટીસ બજવવી, સીલ મારવું તથા વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી છે. તો આ વચ્ચે ફાયર બ્રિગેડમાં ફાયર એન.ઓ.સી. લેવા મોટી સંખ્યામાં ટયુશન કલાસ સંચાલકોની ભીડ ઉમટી પડી છે. તો તેને લીધે તકનો લાભ લેવા એજન્ટો પણ ગેલમાં આવી ગયા છે. ત્યારે હવે ફાયરની એન.ઓ.સી. આપવા માટે રૂા.બે થી પાંચ હજારનો ભાવ બોલાવવાનો શરૂ થયો છે.
સુરતની ગોઝારી ઘટના બાદ વડોદરા પાલિકાનું તંત્ર પણ સફાળું બેઠુ થયું છે. વડોદરા શહેરમાં આવેલા તમામ ટયુશન કલાસોને આગામી તા.૨૬ જુલાઇ સુધી બંધ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. તમામ ટયુશન કલાસ સંચાલકોને ફરજીયાત ફાયર બ્રિગેડની એન.ઓ.સી. લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. જ્યાં સુધી ફાયર બ્રિગેડની એન.ઓ.સી. ન લેવાય ત્યાં સુધી તેઓના સીલ કરેલા કલાસ નહીં ખોલાય તેવો નિર્ણય કરાયો હતો. જોકે તેના વિરુદ્ધ ગત રોજ ટયુશન કલાસ સંચાલકોએ મ્યુ. કમિશ્નર અજય ભાદુને મળી ફાય સેફટીના સાધનો વસાવવા માટે કોચીંગ કલાસના સીલ દૂર કરવા તેમજ વીજ જોડાણ શરૂ કરી આપવાની માંગણી કરી હતી. જોકે કલાસમાં ટયુશન નહીં ચલાવવાની શરતે સીલ ખોલી આપવાની મૌખિક બાંહેધરી કમિશ્નરે આપી હતી.
તો ઉકત બનાવ મામલે હવે કમિશ્નરની સુચનાના આધારે ટયુશન કલાસ સંચાલકોએ ફાયર બ્રિગેડમાં સીલ ખોલી આપવા તથા વીજ જોડાણ શરૂ કરી આપવાની અરજીઓ આપવાની શરૂ કરી છે. તો આ સાથો સાથ આજે સવારથી મોટી સંખ્યામાં ટયુશન સંચાલકોના ધાડેધાડા બદામડીબાગ સ્થિત ફાયર બ્રિગેડની કચેરીએ ઉમટી પડ્યા હતા. ફાયરની એન.ઓ.સી. અપાવવા માટે હવે કેટલાક તકવાદી એજન્ટો પણ ગેલમાં આવી ગયા છે. ફાયર બ્રિગેડનાં આસપાસ અડીંગો જમાવી આ એજન્ટો રૂા.૨થી ૫ હજાર જરૂરતમંદોના ખંખેરી રહ્યાં છે. આ અંગેની ફરિયાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ સતિષ પટેલને પણ મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અંગે પૈસા માંગનાર અંગેની ફરિયાદ કોઇપણ વ્યકિત કે સંસ્થા મને સીધી રીતે કરશે તો તેની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા : ફાયરનું એન.ઓ.સી. લેવા મોટી સંખ્યામાં ટ્યુશન કલાસ સંચાલકોની ભીડ

Recent Comments