(એજન્સી)
મુઝફ્ફરનગર,તા.૧૨
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કરે તોયબા (એલઇટી) સાથે કામ કરનાર અને તાજેતરમાં છ પોલીસકર્મીઓની હત્યા સહિત કાશ્મીરની આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ એવા લશ્કરે તોયબાના હિંદુ આતંકી સંદીપકુમાર ઉર્ફે આદિલની ધરપકડ કરવામાં આવી છે. મુઝફ્ફરનગરનો વતની સંદીપ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા તાજેતરમાં ઝડપાયેલ એલઇટી મોડ્યુલના ભાગરુપ હતો.
એટીએસની ટીમે સંદીપના માતા, મોટા ભાઇ પ્રવિણ શર્મા, હરિદ્વારના એક ટેક્સી ડ્રાઇવર અને ભાભીની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. પ્રવિણ શર્માએ જણાવ્યું હતું કે સંદીપને લશ્કરે તોયબા સાથે સાંઠગાંઠ છે તેની અમને ખબર ન હતી. તેના આ કરતૂત બદલ અમે શર્મિંદા છીએ એવું પ્રવીણે જણાવ્યું હતું. સરકાર તેને જે સજા કરશે તેનો અમે વિરોધ કરીશું નહીં. જો સરકાર તેને ગોળીએ ફંૂકી મારવા માગતી હોય તો પણ અમે સરકારને સમર્થન આપીશું.
સંદીપ ઉપરાંત કાશ્મીરમાં કુલગામના વતની સ્થાનિક ત્રાસવાદી મુનિબ શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી. લૂંટફાટ કરવામાં નિષ્ણાત એવો સંદીપ ગુનાહિત અને આતંકિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો અને તે લશ્કરના ત્રાસવાદીઓ સાથે રહીને એક રીઢો ત્રાસવાદી બની ગયો હતો. સંદીપ ૧૬ જૂનના રોજ દ.કાશ્મીરમાં અચાબાલ ખાતે પોલીસ પાર્ટી પર હુમલો કરવામાં સંડોવાયેલો હતો જેમાં એસએચઓ ફિરોઝ દાર અને અન્ય પાંચ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને તેમના ચહેરા વિકૃત કરવામાં આવ્યા હતા. સંદીપ, મુનિબ શાહ, શાહિદ અહેમદ અને મુઝફ્ફર અહેમદ એમ કુલ ચાર શખ્સો ગુનાહિત પ્રવૃત્તિ હાથ ધરવા માટે કુલગામમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા.