જામનગર, તા. ૧૩
દિલ્હીમાં ભારતના બંધારણની નકલ સળગાવી નાંખનારાઓ સામે કડક કાર્યવાહી કરીને સખ્ત પગલાં લેવાની માંગ સાથે આજે જામનગરમાં દલિત સમાજ તથા આંબેડકર વિચારધારા સંગઠનો દ્વારા ધરણાં કર્યા પછી રસ્તા રોકો આંદોલન કરીને આવેુદનપત્ર પાઠવાયું હતું.
ભારતની રાજધાની દિલ્હીમાં જંતર-મંતર પાસે તા. ૯/૮/ર૦૧૮ના અમૂક તત્ત્વોએ ભારતના બંધારણની નકલ સળગાવી હતી અને બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર વિરૂદ્ધ નારા લગાવીને અપમાન કર્યું હતું અને રાષ્ટ્રદ્રોહનો ગુનો કર્યો હતો. પોલીસની હાજરીમાં જાતિવાદથી પિડાતા તત્ત્વોએ એક-બીજા સાથે મીલાપીપણું કરીને આ કૃત્ય કર્યું છે.
આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા, તેમનું નાગરિકત્વ રદ કરવાની માગણી સાથે આજે દલિત સમાજ (જામનગર) અને આંબેડકર વિચારધારા ધરાવતા સંગઠનો દ્વારા લાલબંગલા સર્કલમાં ધરણાં કરવામાં આવ્યા પછી રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવાયું હતું.
એ પછી આંદોલન-કારીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ચક્કાજામ કર્યા પછી આ કાફલો કલેક્ટર કચેરી તરફ રવાના થયો હતો, જ્યાં આવેદન પાઠવાયું હતું.