અમદાવાદ,તા.રર
ગુજરાતના ગૌરવ સમાન અમૂલના વાર્ષિક રૂા.૪૧ હજાર કરોડના કારોબારનું ખાનગીકરણ કરીને રાજકીય ઓથવાના નેતાઓને કમાવી આપવા અમૂલ પેટર્નને બદલે કામધેનું પેટર્નની અમલવારી કરવામાં આવી રહી હોવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કરેલા પર્દાફાશનો પુરાવા સહિત જવાબ આપવાને બદલે જીએસએમએમએફના ચેરમેન રામસિંહ પરમારનો લુલો બચાવ અને કામધેનું પેટર્નના પ્રણેતા બાબુ બોખીરિયા પુરાવાઓ આપે તો જાહેરજીવન છોડી દઈશનો ફેંકેલો પડકાર સ્વીકારી અર્જુન મોઢવાડિયાએ બાબુ બોખીરિયા અને સંઘના નિયામક મંડળને સંડોવતા દસ્તાવેજો ટૂંકમાં બહાર પાડવાનો હુંકાર કર્યો છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે રાજકારણની વાત કરીને ઉઠાવેલા મૂળભૂત પ્રશ્નોને છેદ ઉડાડી દીધો છે. ત્યારે તેઓ નીચેના પ્રશ્નો પૂછી જવાબ આપે તેવી વિનંતી કરી છે. (૧) અમૂલ પેટર્ન પ્રમાણે દૂધના કલેકશન પ્રોસેસીંગ તથા માર્કેટિંગ સુધી કયાંય વચેટિયાની ભૂમિકા નથી એ વાત સાચી નથી ? (ર) ગુજરાતમાં તમામે તમામ ૧૮ દૂધ સંઘોમાં દૂધનું પ્રોસેસીંગ અને પેકેજિંગ સંઘ પોતાની માલિકીના જ પ્લાંટમાં કરાવે છે. આ વાત સાચી છે ? તમામ પ્લાન્ટમાં દૂધ અને દૂધ ઉત્પાદન ઉપરનું પેકેજિંગ મટિરીયલ અમૂલ આપે છે. તથા સંઘે પ્રોસેસ કરેલ દૂધ અને દૂધ ઉત્પાદનોની ગુણવતાની ચકાસણી અમૂલના નિષ્ણાતો કરે છે તે વાત સાચી નથી ? (૩) પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને ર લાખ લિટર/પ્રતિ દિવસ ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ફેડરેશન-અમૂલના એમ.ડી. સોઢીએ તા.ર૧-૧ર-ર૦૧પના રોજ પત્ર લખીને સૈધ્ધાંતિક મંજુરી આપી હતી. કામધેનુ એન્ટરપ્રાઈઝ નામની પેઢીને પ્લાન્ટ સ્થાપવા મંજૂરી નહોતી આપી આ વાત સાચી નથી ? (૪) ફેડરેશન-અમૂલની મંજૂરી ન હોવાછતાં પોરબંદર દૂધ સંઘ અને કામધેનુ એન્ટરપ્રાઈઝે તા.૧૭-૭-ર૦૧૭ના રોજ કરાર કરીને દૂધ, દહી, છાસ અને ઘી પ્રોેસેસીંગ કામધેનુ પાસે ર૦ વર્ષ સુધી રોજના ર લાખ લિટર દૂધ આપવાની ગેરંટી સાથે કરાર કરવામાં આવેલ છે આ વાત સાચી છે ? (પ) કામધેનુ દ્વારા દૂધનું રેટ કોન્ટ્રાકટથી પ્રોસેસીંગ કરવાને બદલે પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સદરહુ પલાન્ટ રૂા.૧૯.પ૦ લાખ/પ્રતિ માસના દરથી ૧૦ વર્ષ કે વધારે વર્ષ સુધી લીઝથી રાખી શકે છે. તેવો પત્ર જીસીએમએમએફ-અમૂલ્ના મેનેજિંગ ડિરેકટરે તા.૩૦-પ-ર૦૧૮ના રોજ લખેલ હતો. શું આ હકીકત સાચી નથી ? (૬) તા.૧-૮-ર૦૧૮ અને તા.૬-૮-ર૦૧૮ના રોજ સહકાર મંત્રી ઈશ્વર પટેલે તેમના કાર્યાલયમાં પોરબંદર સંઘના ચેરમેન અને એમ.ડી. ફેડરેશન અમૂલના પ્રતિનિધિ, સહકાર સચિવ રાજય રજિસ્ટ્રાર સહિતની મીટિંગ બોલાવેલી. તા.૬-૮-ર૦૧૮ની મીટિંગમાં ફેડરેશન અમૂલના ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને એમ.ડી. સોઢી હાજર હતા. આ મીટિંગમાં કામધેનુ વતી બાબુ બોખીરિયાએ કામધેનુનો પોરબંદર સંઘ સાથેનો કરાર સ્વીકારવા અથવા માસિક ભાડું રૂા.૭૦ લાખ કરી આપવાનું દબાણ કર્યું હતું તથા અમૂલનું કામધેનુની પેટર્ન ઉપર ખાનગીકરણ થાય તો પશુપાલકોની આવક ડબલ થાય તેવી હાસ્યાસ્પદ દલીલ કરી હતી. આ વિગત સાચી નથી ? રામસિંહ પરમાર ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓના દબાણ હેઠળ કોઈ સ્પષ્ટતા કરતા નથી. તેમજ ફેડરેશન-અમૂલના એમ.ડી. સોઢી જેઓ પશુપાલકોનું હિત વિચારવાને બદલે અમૂલ પેટર્નને ઠોકરે મારીને કામધેનુ પેટર્નનો અમલ કરવા માગે છે તેમને ભાજપના મોટા માથાઓનું સમર્થન છે. એટલે બેકાબુ થઈને ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપે છે જો તેઓ કાળા કામોમાંથી પોતાનો હાથ ઉઠાવી લેશે નહીં તો તેમણે પણ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.