નવી દિલ્હી,તા.૯
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે મુગલસરાય જંકશનનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય કરી દીધું એના કરતાં સંઘ અને ભાજપે પોતાના પ્રયાસોથી એક અલગ સ્ટેશન બનાવીને એનું નામકરણ પંડિતજીના નામે કર્યું હોત તો બહેતર પરિવર્તન હોત.
મુગલ નામથી સંઘીઓને આટલી સુગ કેમ છે એનું કારણ સમજાતું નથી. બાબરે આ દેશ પર જરૂર હુમલા કર્યા હતા પરંતુ એના વંશજ આ દેશમાં જ જન્મ્યા, ઉછર્યાં અને આજ માટીમાં દફન થયા. આ દેશ એમનો પણ છે. કેટલાક મુગલ શાસક અને સામંત અય્યાસ અને અત્યાચારી હશે પરંતુ દેશ દુનિયામાં એવા કેટલાય રાજા મહારાજા હશે જે અત્યાચારી અને અય્યાસ નહીં રહ્યા હોય? સર્વધર્મમાં વિશ્વાસ ધરાવનાર બાદશાહ અકબર, હિન્દુ ધર્મગ્રંથોનું સૌથી પહેલાં ફારસી ભાષામાં અનુવાદ કરાવીને દેશ બહાર પહોંચાડનાર શિકોહ જેવા સૂફી, શાહજહાંની દીકરી જહાંઆરા જેવી સૂફી સંત, ઔરંગઝેબની મોટી પુત્રી જેબુન્નીશા જેવી ઉમદા શાયર અને બહાદુરશાહ ઝફર જેવા શાયર તથા સ્વતંત્ર સેનાની મુગલ ખાનદાનના જ હતા. શું તમે દેશના ઇતિહાસમાંથી એમનું નામોનિશાન મિટાવી શકશો?
મોગલ સ્થાપત્યના બહેતરીન નમૂના ફતેહપુર સિકરી, તાજમહેલ, આગ્રાનો કિલ્લો, હુમાયુનો મકબરો, અકબરનો મકબરો, જામા મસ્જિદ આ તમામ આજે દેશની શાન છે. શું આ તમામને તોડી નાખશો? મુગલ દરબારની ફારસી ભાષા અને સ્થાનિક ભાષાના મેળથી પ્રેમ અને સંસ્કારની ભાષા ઉર્દૂનો મોગલ કાળમાં જ જન્મ થયો. શું એને પણ મિટાવી દેશો?
આપણી રસોઈમાં બનતાં લગભગ તમામ માંસાહારી વ્યંજનો મોગલોની ભેટ છે. આપણી રસોઈમાંથી એને ક્યારેય દૂર કરી શકશો? આજની ભારતીય સંસ્કૃતિ વેદોની સનાતન સંસ્કૃતિ નથી. એમાં આર્ય, દ્રવિડ, શાક, હુણ, મંગોલ, મુસ્લિમ, સૂફી, આદિવાસી અને પશ્ચિમી સંસ્કૃતિના તાલમેલથી બનેલ એક એવી સંસ્કૃતિ છે જેની વિવિધતામાં એકતા પર આપણને ગર્વ છે.
સવાલ એ છે કે આપણી આ સુંદર, સર્વગ્રાહી સંસ્કૃતિના નિર્માણમાં સ્વયંસેવક સંઘની ખુદની અને એના સહયોગી સંગઠનોની શું ભૂમિકા છે ? સંઘે એના નિર્માણ બાદ સંસ્કૃતિના મૂળિયાં ઉખેડવા સિવાય બીજું કશું કર્યું છે કાંઈ ? જો એનો જવાબ ‘ના’ છે તો પછી આ દેશમાંથી કંઈક નાબૂદ કરવું હોય તો આ સંઘીય વિચારધારાને સૌથી પહેલા મિટાવી દો !