મુંબઈ, તા.૬
પાકિસ્તાન ક્રિકેટ ટીમના સૌથી સિનિયર ખેલાડી અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. લંડનમાં પત્રકાર પરિષદમાં તેણે આની જાહેરાત કરી. પતિ શોએબ મલિક માટે ભાવુક ટ્‌વીટ કરતાં સાનિયા મિર્ઝાએ લખ્યું કે, તમે જે કંઈપણ પ્રાપ્ત કર્યું છે તેના પર ઈઝહાન અને મને ગર્વ છે. દરેક કહાનીનો એક અંત હોય છે પણ જીવનમાં દરેક અંતની સાથે એક નવી શરૂઆત પણ થાય છે. શોએબ મલિક તમે ગર્વ સાથે ર૦ વર્ષ સુધી પોતાના દેશ માટે રમ્યા અને તમે આગળ પણ ખૂબ જ સન્માન અને વિનમ્રતા સાથે આ જાળવી રાખશો. પ્રેસ કોન્ફરન્સમાં શોએબે કહ્યું કે, મને દુઃખ છે કે હું આ ફોર્મેટ છોડી રહ્યો છું પણ હવે મારે પરિવાર સાથે સમય વિતાવવો છે. શોએબે પોતાના ટ્‌વીટમાં લખ્યું છે કે, હું તે બધા ખેલાડીઓ જેમની સાથે રમ્યો છું જે કોચો જેમણે કોચિંગ આપ્યું છે પરિવાર, મિત્રો, મીડિયાનો આભાર માનું છું. સૌથી મહત્ત્વપૂર્ણ મારા પ્રશંસક તેમને હું કહેવા માંગું છું કે, હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.