મુંબઈ, તા.૩૧
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરનું કહેવું છે કે, એક વિશ્લેષક અને કોમેન્ટેટર તરીકે ર૦૧૯ તેના માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું, આ વાત તેણે આ વર્ષે રમાયેલ વિશ્વકપ દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથે થયેલા વિવાદ અને કોલકાતામાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમેચ દરમિયાન કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે થયેલી જીભાજોડીને લઈ કહી છે. ભોગલે સાથે થયેલા વિવાદને લઈ તેણે પોતાની ભૂલ સ્વીકારી છે અને પોતાની કોમેન્ટને બિનપ્રોફેશનલ અને અશોભનીય ગણાવી છે. બંને ઘટનાઓ બાદ માંજરેકરની ખૂબ ટીકા થઈ હતી અને સોશિયલ મીડિયા પર તેણે ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. માંજરેકરે એક ક્રિકેટ વેબસાઈટને પણ કહ્યું કે, ક્રિકેટને કોમેન્ટરીની શરૂઆત વર્ષ ૧૯૯૮-૯૯ દરમિયાન કરી હતી. એટલા માટે મને લગભગ ર૦-ર૧ વર્ષ થઈ ચૂકયા છે. વિશ્લેષક અને કોમેન્ટેટરના રૂપમાં આ મારૂં સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. ભોગલે સાથે થયેલી વાતચીતને યાદ કરતા માંજરેકરે કહ્યું કે, મારો વ્યવહાર બિલકુલ સારો નહોતો, તે અશોભનીય હતું અને ખોટું હતું તેના માટે મને ખૂબ જ અફસોસ છે.