(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કેન્દ્ર ખાતેની નરેન્દ્ર મોદી સરકારે ઇન્ડિયન રેવન્યુ સર્વિસિસના અધિકારી સંજય મિશ્રાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના વચગાળાના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિયુક્તિ સમિતિ (એસીસી) દ્વારા સંજય મિશ્રાને ત્રણ મહિના માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ આ હોદ્દા પર કોઇ નિયમિત અધિકારીની નિયુક્તિ નહીં થાય ત્યાં સુધી સંજય મિશ્રા આ હોદ્દા પર રહી શકે છે. આવકવેરા કેડરના ૧૯૮૪ની બેચના આઇએએસ અધિકારી મિશ્રા કરનાલસિંહનું સ્થાન લેશે. કરનાલસિંહનો કાર્યકાળ રવિવારે પુરો થશે. મીડિયાના અહેવાલ મુજબ સંજય મિશ્રાને ભાજપની નેતાગીરીના નિકટના માનવામાં આવે છે. સંજય મિશ્રા ઘણા હાઇ પ્રોફાઇલ મામલાઓની તપાસ અંગે ચર્ચામાં રહ્યા હતા. આ કેસોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સંબંધિત નેશનલ હેરાલ્ડના કેસનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત સંજય મિશ્રા બસપાના વડા માયાવતી સામે આવકથી વધુ સંપત્તિના મામલાની પણ તપાસ કરી ચુક્યા છે.અહેવાલો મુજબ મિશ્રાએ એનડીટીવી દ્વારા કરચોરીના આરોપોની પણ તપાસ કરી રહ્યા છે. અગાઉ, મિશ્રાએ અમદાવાદમાં પણ પોતાની સેવાઓ આપી છે અને ગૃહ મંત્રાલય તેમ જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં કામ કરી ચુક્યા છે.