(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
સંસદમાં વિપક્ષની સાથે શિવસેનાના સાંસદોને બેઠકની ફાળવણી કરવામાં આવ્યા બાદ ભાજપ સામે વળતો પ્રહાર કરતા શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે જણાવ્યું કે કેન્દ્ર ખાતેની એનડીએ સરકાર કોઇ એક પક્ષની જાગીર નથી પરંતુ કેટલાક લોકો પોતાની જાતને ભગવાન માની રહ્યા છે. લોકશાહી કાયમ રહેશે. તેમણે એવું પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં અહંકારને કારણે વર્તમાન રાજકીય પરિસ્થિતિ સર્જાઇ છે. અમે એનડીએના ચાર સ્થાપકોમાંથી એક છીએ. એનડીએ કોઇ એક પાર્ટીની જાગીર નથી. સંજય રાઉતે એવું પણ કહ્યું કે સહમતી સધાયેલી ડીલથી જો તમે એક ડગલું પીછેહઠ કરો તો, તે યોગ્ય નથી.એનડીએની રચના કરનારા ચાર નેતાઓમાં બાલાસાહેબ ઠાકરેનો સમાવેશ થાય છે. અમે ઘણીવાર એનડીએને બચાવ્યું છે. અમે ક્યારેય તેમનો સાથ કે હાથ છોડ્યો નથી પરંતુ આજે તેઓ વિચારે છે કે તેઓ ભગવાન છે. જો તમે એનડીએમાંથી શિવસેનાને કાઢીનાખવાનું વિચારી રહ્યા છો તો તમે ભગવાન નથી. સંજય રાઉતે એવો પ્રશ્ન કર્યો કે એનડીએમાંથી શિવસેનાને કાઢી નાખવાનો નિર્ણય લેતા પહેલા શું ભાજપે પ્રકાશસિંહ બાદલ અને નીતિશ કુમારને પૂછ્યું છે ?