(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને પેચ ફસાયો છે ત્યારે શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત મહારાષ્ટ્રમાં જલ્દી જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનવાનો દાવો કર્યો છે. સંજય રાઉતે શરદ પવારને લઇને કહ્યું કે, શરદ પવાર જે કહે છે તેને સમજવા માટ૧૦૦ જન્મ લેવા પડશે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારની રચના કરવા સંબંધિત પ્રશ્નો અંગે એસીપીના વડાએ આપેલી ચોંકાવનારી પ્રતિક્રિયાના એક દિવસ બાદ સંજય રાઉતે ઉપર મુજબ જણાવ્યું છે. સંજય રાઉતને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે શરદ પવાર અને અમારા ગઠબંધન વિશે તમે ચિંતા ન કરો, બહુ જ ટૂંક સમયમાં અને ડિસેમ્બરના પ્રારંભમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર હશે અને આ ગઠબંધન સરકાર સ્થિર હશે.
સંજય રાઉતે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ લોકપ્રિય સરકાર બનશે. કોઇ પણ પક્ષ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન ઇચ્છતું નથી. મહારાષ્ટ્રમાં શરદ પવારે હજુ સુધી તેમના પત્તા ખોલ્યા નથી. શિવસેના નેતા સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યુ છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે અમને દગો આપ્યો છે. તેમણે કહ્યું કે તે નિશ્વિત છે કે શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે.