(એજન્સી) મુંબઈ, તા.ર૦
મહારાષ્ટ્ર સરકારની રચના અંગે ફરી એકવાર અટકળો લગાવાઈ રહી છે. શિવસેના તરફથી સરકારની રચના કરવા અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, સરકાર બનાવવાની પ્રક્રિયા આગામી પાંચ-છ દિવસોમાં પૂરી થઈ જશે અને ડિસેમ્બર પહેલાં મહારાષ્ટ્રમાં એક લોકપ્રિય મજબૂત સરકારની રચના કરવામાં આવશે જેની પ્રક્રિયા ચાલી રહી છે. સંજય રાઉતે વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકારની રચના કરવા અંગે પાછલા ૧૦-૧પ દિવસોમાં જે પણ અડચણો ઊભી થઈ હતી તે હવે દૂર થઈ ગઈ છે. આજે બપોરે ૧ર વાગ્યા સુધી આપ સૌને જાણ થઈ જ જશે કે તમામ અડચણો દૂર થઈ ગઈ છે. આજે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. એનસીપી પ્રમુખ શરદ પવારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ અંગે પ્રશ્નો ઉઠાવનારા લોકોને પણ સંજય રાઉતે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, શું કોઈ વડાપ્રધાનને મળે તો તેમાં કંઈ રંધાતું જ હોય છે ? વડાપ્રધાન આખા દેશના છે. મહારાષ્ટ્રમાં ખેડૂત પરેશાન છે. પવાર અને ઉદ્ધવ ઠાકરે હંમેશા ખેડૂતો માટે વિચારે છે. શિવસેનાના નેતાએ કહ્યું કે, શરદ પવારને વિનંતી કરી છે કે, તેઓ રાજ્યની સ્થિતિ અંગે વડાપ્રધાનને જાણકારી આપે. મહારાષ્ટ્રના તમામ સાંસદો વડાપ્રધાનને મળશે અને તેમને ખેડૂતોની સ્થિતિ વિશે જણાવશે. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરીશું કે કેન્દ્ર ખેડૂતોને શક્ય તેટલી વધુ સહાય પૂરી પાડે. મહારાષ્ટ્રના ખેડૂતો અંગે ગઈકાલે એનસીપી પ્રમુખ શરદ પવારે સંસદમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ વાતની પુષ્ટિ એનસીપીએ પણ કરી હતી.