(એજન્સી) તા.ર૮
બીજેપી અને શિવસેનાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવાના સંકેત આપ્યા છે. સોમવારે શિવસેના સાંસદોએ ઠાકરે પરિવારના પિતૃક આવાસ માતોશ્રીમાં ભેગા થયા હતા. અહીં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે તેમની લાંબી બેઠક મળી હતી. બેઠક દરમ્યાન શિવસેના સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે, બીજેપીની સાથે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન ચાલુ રાખવાનું છે કે નહીં. તેના પર અંતિમ નિર્ણય તેમનો જ હશે. બેઠકમાં બીજેપીની સાથે ગઠબંધન કરવાના તમામ અધિકાર ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું, અમારા નેતા ઉદ્ધવજી છે. અમે લડવા માટે તૈયાર છીએ, અમે લડીશું. મહારાષ્ટ્રમાં અમે મોટાભાઈ છીએ, હંમેશા રહીશું અને તે પ્રમાણે રાજ્ય અને દેશની રાજનીતિ કરીશું. સંજય રાઉતે કહ્યું કે રાફેલ પર અમારી પાસે નવી જાણકારી આવી છે. તેના પર ચર્ચા થઈ હતી. બેઠકમાં ઘણી ચર્ચા થઈ હતી. બજેટમાં આવક મર્યાદા ૮ લાખ સુધી કરાવવાની માંગ શિવસેનાએ કરી છે. રાઉતે તે પણ સ્પષ્ટ કર્યું કે પ૦-પ૦નો કોઈ પ્રસ્તાવ શિવસેનાની પાસે આવ્યો નથી અને આ પ્રસ્તાવ અમને સ્વીકાર્ય પણ નથી. જ્યારે જાલાનમાં બીજેપીના સ્થાનિક પદાધિકારીઓની બેઠક મળી હતી. ત્યાં પ્રદેશ અધ્યક્ષ દાનવેએ પણ શિવસેનાની સાથે ગઠબંધનના સંકેત આપ્યા દાનવે જણાવ્યું કે હાલ ૪૮માંથી ર૪-ર૪ સીટો એટલે કે પ૦-પ૦ ટકાની કોઈ ફોર્મ્યુલા બનાવી જ નથી. જ્યારે સીટ શેયરીંગની વાત હશે તો ખોલીને થશે. અમે હંમેશા શિવસેનાની સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. નિર્ણય હવે શિવસેનાએ લેવાનો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે લોકસભાની ચૂંટણીને લઈને ગઠબંધન થઈ ચૂક્યું છે. જ્યારે શિવસેના કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી હોવા છતાં સતત બીજેપી પર આકરા પ્રહારો કરતી રહી છે. હાલમાં પાલધર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં પણ બંને પક્ષોએ ઉમેદવારો ઉતાર્યા હતા. ગત વર્ષ શિવસેનાએ એનડીએથી અલગ જઈને લોકસભાની ચૂંટણી લડવાની વાત કરી હતી. જો કે શિવસેના સંસ્થાપકવાળા સાહેબ ઠાકરે મેમોરિયલના ઉદ્‌ઘાટન પ્રસંગે બંને પક્ષોની વચ્ચે અંતર ઘટતું દેખાયું હતું.