અમદાવાદ,તા.૧૯
પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ આપવા ઈસનપુરમાં નીકળેલી રેલી દરમ્યાન પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે મુસ્લિમ સમાજ વિરૂધ્ધ કાન ફાડી નાખે તેવી અશ્લીલ ગાળો ભાંડનાર કટ્ટરવાદી શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેના આધારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોલીસ કમિશનર એ.કે. સિંઘને કરેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આ શખ્સને ઝડપી લીધો હતો અને તેની સામે અભદ્ર ભાષા બોલવા બદલ અને કોમી વૈમનસ્ય ફેલાવના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. તેનો દેશભરમાં વિરોધ થયો હતો અને રેલીઓ, કેન્ડલમાર્ચ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છ.ે આમાં હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો પોતપોતાની રીતે શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા છે અને આ આતંકવાદની શેતાની ઘટનાને વખોડી રહ્યા છે, આવી જ રીતે તા.૧૬ના રોજ ઈસનપુરથી ગોવિંદવાડી રોડ ઉપર પણ બાઈક રેલી નીકળી હતી. આ બાઈક રેલીમાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલી દરમ્યાન એક યુવાન લથડિયા ખાતો ખાતો પાકિસ્તાન મુર્દાબાદના નારા બોલાવતો હતો તે દરમ્યાન અચાનક તેની કટ્ટરવાદી માનસિકતા બહાર આવી અને મુસ્લિમ સમાજ વિરૂધ્ધ અશ્લીલ ગાળો બોલવાનું શરૂ કરતા રેલીમાં જોડાયેલા દેશભકતો પણ ચોંકી ઉઠયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શાંતિપ્રિય લોકોમાં આ યુવાન વિરૂધ્ધ રોષ ભભૂકી ઉઠયો હતો. આ ઘટના અંગે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોલીસ કમિશનર એ.કે. સિંઘને આ વીડિયો વોટસએપ પર મોકલી શાંતિમાં પલિતો ચાંપવા ખોટી ઉશ્કેરણી કરનાર અને જાતિવાચક ગંદી ગાળો બોલતા આ યુવાનની ધરપકડ કરવા માગણી કરી હતી. આથી પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસ કરવાના આદેશ જારી કર્યા હતા.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા વીડિયોની તપાસ બાદ જાણવા મળ્યું કે, ઈસનપુરની ગોવિંદવાડી રોડ પર બાઈક રેલી નીકળી હતી ત્યારનો વીડિયો છે. તેના આધારે તપાસ કરતા લાંભામાં રહેતો સંજય રાવળ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું હતું. આથી પીએસઆઈ વાય.જી. ગુર્જરે સંજય રાવળ વિરૂધ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સંજય મગનસિંહ રાવળની પૂછપરછ કરતા તેણે ઉત્સાહના અતિરેકમાં આ કૃત્ય કર્યું હોવાની કબુલાત કરી હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સંજય રાવળ પોલીસ પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.