(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૧
આસામ સરહદ પર શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુની આજે કાઢવામાં આવેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહીદ જવાનની પત્ની અંજના સાધુએ નવોઢાની જેમ શણગાર કરી પતિને અશ્રુભીનિ વિદાય આપી હતી. ત્યારે સંજય સાધુને તેમના દોઢ વર્ષના પુત્ર ઓમ સાધુએ મુખાગ્નિ આપી હતી. બી.એસ.એફ.ના જવાનોએ આ ત્રણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ પહેલા શહીદના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના સન્માનમાં મોટી સંખ્યામાં લોકો તેમજ રાજકીય નેતાઓ ઉમટી પડ્યા હતા. સાંસદ, ધારાસભ્યો, મેયર અને કલેક્ટર, પ્રધાન યોગેશ પટેલ સહિત અનેક લોકોએ તેમને એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આસામ બોર્ડર પર ૧૮ ઓગસ્ટના રોજ સંજય સાધુ પેટ્રોલિંગમાં હતા. ત્યારે પશુ તસ્કરી થઇ રહી હોવાની શંકા ગઇ હતી. જેથી તેઓએ તુરંત સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાન સંજય સાધુનો પગ લપસી ગયો હતો અને તેઓ નાળાના વહેતા પાણીમાં પડી ગયા હતા. જો કે તુરંત રેસ્ક્યુ કરીને તેઓને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.
આસામનાં સિલીગુડી નજીક બાંગ્લાદેશ બોર્ડર નજીક પશુ તસ્કરી રોકવાની ફરજ દરમ્યાન વડોદરાના વીર જવાન સંજય સાધુ શહીદ થતા તેમનો પાર્થિવ દેહ મંગળવારે મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ પર સંજય સાધુની શહાદતને બિરદાવી શહીદ અમર રહોનાં નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુંં હતું. બીએસએફ દ્વારા શહીદ સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આજે સવારે શહીદનું અંતિમ સંસ્કાર થવાનું હોય તેમના ગોરવા ભાગવતકૃપા સોસાયટી સ્થિત નિવાસસ્થાને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહીદની અંતિમ યાત્રા નિકળતા તમામની આંખો ભીંજાઇ ગઇ હતી. શહીદની પત્નીએ સોળે શણગાર સજી પતિને અંતિમ વિદાય આપી હતી. શહીદ સંજય સાધુની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ગોરવા સ્મશાનગૃહ ખાતે પહોંચી હતી. જ્યાં તેમના દોઢ વર્ષનાં પુત્ર ઓમ સાધુએ શહીદ પિતાને મુખાગ્નિ આપી હતી.
શહીદ સંજય સાધુની અંતિમ યાત્રામાં શહેર પોલીસ કમિશનર, કલેકટર, મેયર, સાંસદ સહિતનાં રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. ફુલોથી સજાવેલા સૈન્યનાં વાહનમાં શહીદના પાર્થિવ દેહને ગોરવા સ્મશાન સુધી લઇ જવામાં આવ્યો હતો. દોઢ વર્ષનાં માસુમ પુત્ર અને પત્નીના આક્રંદને જોઇ અંતિમ યાત્રામાં હાજર તમામની આંખો ભીંજાઇ ગઇ હતી.

મારા પતિ શહીદ થયા તેનું ગૌરવ પણ બાળકોના ભવિષ્યની ચિંતા : અંજના સાધુ

આસામ બોર્ડર પર પશુ તસ્કરી રોકવા જતી વખતે શહીદ થયેલા વડોદરાના વીર જવાન સંજય સાધુને આજે અંતિમ સંસ્કાર અપાયા હતા. ત્યારે તેમની પત્ની અંજના સાધુએ જણાવ્યું હતું કે, દેશની રક્ષા કરવા મારા પતિ શહીદ થયા છે તેનું હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. પરંતુ મારા બાળકોનું હવે શું થશે તેની ચિંતા મને સતાવી રહી છે. સરકાર મારા બાળકો માટે કંઇક કરે તેવી મારી માગણી છે. ગઇકાલે હું એરપોર્ટ પર ગઇ જ્યાં શહેરીજનોનાં સહકારથી હું ભાવવિભોર બની ગઇ હતી. બસ મારા બાળકો માટે સરકાર મારો સાથ આપે તેમના ભવિષ્ય વિશે વિચારે, મારી માત્ર આટલી જ માગણી છે. શહીદ સંજય સાધુને બે પુત્રીઓ શ્રદ્ધાં (ઉ.વ.૮) અને આસ્થા (ઉ.વ.૩) અને દોઢ વર્ષનો પુત્ર ઓમ સાધુ છે.