(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
આપના રાજ્યસભા સભ્ય સંજયસિંહે કહ્યું કે પાર્ટી ર૦૧૯ની, લોકસભા ચૂંટણીમાં પંજાબ, હરિયાણા, અને દિલ્હી જેવા ઉત્તરભારતના રાજ્યો પર મુખ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરતા આશરે સો બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા કરશે. આપની નીતિ ર૦૧૪ની બિલકુલ ઉલટ હશે. જ્યારે પાર્ટીએ દેશભરમાં ૪૦૦ બેઠકો પર ઉમેદવાર ઊભા કર્યા હતા પણ માત્ર ચાર બેઠકો જીતી આ ચારેય બેઠકો પંજાબની હતી. આપના રાજ્યસભા સભ્યએ કહ્યું કે પાર્ટીને લાગે છે કે, બધી બેઠકો પર ચૂંટણી લડવાનો કોઈ મતલબ નથી. જેથી અમારી યોજના હવે ૮૦થી ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડવાની છે જ્યાં અમે પરિણામોને પોતાના પક્ષમાં લાવવાની સારી સ્થિતિમાં હોઈશું. સંજયસિંહે કહ્યું કે, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પાર્ટી ર૦૧૯માં મોટાભાગે બેઠકો જીતવા પર ધ્યાન આપશે. પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કેટલીક બેઠકો પર ઉમેદવાર ઊભા કરશે. ઉત્તરપ્રદેશમાં પાર્ટી ૧૦થી ૧પ બેઠકો પર ચૂંટણી લડવા પર ધ્યાન આપી રહી છે.