નવી દિલ્હી,તા.૨૯
આમઆદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે મોટો દાવો કર્યો છે. સંજય સિંહે બુધવારે કહ્યું કે ભાજપના ત્રણ મુખ્યમંત્રીના ઉમેદવાર છે અને ત્રણેય અમારા સંપર્કમાં છે. સંજય સિંહે કહ્યું કે ભાજપ નકલી એજન્ડા પર કામ કરે છે. આર્થિક મંદીનો સામનો કરવા પર વાત ન થાય તેથી નામ બદલવા જેવા મુદ્દાઓ ભાજપ ઉઠાવે છે.
ભાજપને કામ બદલવાની જરૂર છે, નામ બદલવાથી કંઈ નહીં થાય. સંજય સિંહે વધુમાં કહ્યું કે ભાજપના નેતા મુખ્યમંત્રી બનવાની હોડમાં જનતાના કામથી ભટકી ગયા છે. તેઓએ અપીલ કરી કે ભાજપ મુખ્યમંત્રીની લડાઈના ચક્કરમાં ઝઘડો બંધ કરે. આપના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે કહ્યું કે ભાજપ નક્કી કરી લે કે મુખ્યમંત્રી બનવા માગે છે.
વિજેન્દ્ર ગુપ્તા, વિજય ગોયલ કે મનોજ તિવારી. ભાજપ સાંસદ ગૌતમ ગંભીરની ટ્‌વીટ પર સંજય સિંહે કહ્યું કે આપના ૭૦ પોઈન્ટ એજન્ડા નક્કી કર્યા હતા. ૫ લાખ કરોડથી વધુ ઉદ્યોગકારોના દેવાં મોદી સરકારે માફ કર્યા જયારે કેજરીવાલ સરકાર આમ જનતાને ફ્રી સુવિધા આપી રહી છે.
જનતાને ટેક્સના પૈસાથી કઈ રીતે રાહત મળે છે તે ભાજપે અમારી પાસે શીખવાની જરૂર છે. ગૌતમ ગંભીરે દિલ્હી સરકારની નિઃશુલ્ક યોજનાઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ચૂંટણીને જોતા સરકાર આ પ્રકારના પગલાં ભરે છે. જો કામ પર ધ્યાન આપ્યું હોત તો આવા પગલાં ઉઠાવવાની જરૂર ન પડત.