અમદાવાદ, તા.ર૯
હાર્દિક પટેલના ઉપવાસને બુધવારે પાંચમો દિવસ હતો ત્યારે ડોક્ટરની તપાસમાં હાર્દિક શારીરિક રીતે થોડો નબળો પડ્યો હોવાનું દેખાતું હતું. જો કે હાર્દિકના સમર્થનમાં તેની મુલાકાતે આવનારા લોકોને પોલીસ અટકાવતી હોય. છતાંય હાર્દિકને મળવા માટે આગેવાનો આવી રહ્યા છે ત્યારે બુધવારે સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પણ હાર્દિકની મુલાકાત લીધી હતી. પોલીસ અધિકારીઓએ પોતાની સૂઝબૂઝથી કામ કરવું જોઈએ. પોલીસ સરકારની સૂચનાના આધારે કામ કરે છે. એમ સંજીવ ભટ્ટે જણાવ્યું હતું. હાર્દિક પટેલની મુલાકાતે પહોંચેલા સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે, પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે આજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે સંજીવ ભટ્ટે કહ્યું કે, “હું વ્યક્તિગત મુલાકાત લેવા માટે અહીં આવી પહોંચ્યો છું. હાર્દિકના મુદ્દા યુવાનો અને લોકોને સીધા જ સ્પર્શે છે. હાર્દિક લોકોનો અવાજ સરકારને પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ અનામતની સ્થિતિ અંગે ચર્ચા થવી જોઈએ.“આઈપીએસ અધિકારી રજનીશ રાયે આપેલા રાજીનામા અંગે વાત કરતા સંજીવ ભટ્ટે જણાવ્યું કે, “રજનીશ રાયે પણ રાજીનામું આપી દીધું છે, લાગે છે કે યોગ્ય પક્ષ લઈ શકે તેવા લોકોની સરકારને જરૂર નથી.” વધુમાં તેમણે કહ્યું કે, “કલમ ૧૪૪નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવે છે. પરંતુ અહીં તો લોકોને હાર્દિકને મળવા માટે આવતા રોકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. પ્રજા અહીં પહોંચી ન શકે તે માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. અધિકારીઓ પોતાની સૂઝબૂઝથી કામ નથી કરી રહ્યા, તેઓ સરકારની દોરવણી હેઠળ કામ કરે છે.” સાચું સ્ટેન્ડ લઈ શકે એવા લોકોની સરકારને જરૂર લાગતી નથી. એમ સંજીવ ભટ્ટે જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારૂએ પણ હાર્દિકની મુલાકાત લીધી હતી. જો કે હાર્દિકના ઉપવાસના મુદ્દે કોંગ્રેસના કિસાન સેલના અધ્યક્ષ હર્ષદ રિબડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ર૪ કલાકમાં હાર્દિકની માગણીઓ ઉપર વિચાર કરવા સરકારને જણાવ્યું છે. તેમજ માગણીઓ સ્વીકારાશે નહીં તો ખેડૂતો રસ્તા પર આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. પત્રમાં રીબડિયાએ માગણી કરી હતી કે મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટકમાં ખેડૂતોનું દેવું માફ થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ? હાર્દિકની માગણીઓ સ્વીકારીને સરકાર પારણા કરાવે. એમ હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું. હાર્દિકના ઉપવાસના પાંચમાં દિવસે પણ હાર્દિકના સમર્થનમાં બાયડના અરજણવાવ, ધારીના છતડિયા, ગાંધીનગરના ચંદ્રાલા સહિત રાજ્યના અનેક સ્થળોએ પાટીદારોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે.