(એજન્સી) નવી દિલ્હી,તા.ર૪
ગુજરાતના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની પત્નીએ ગુજરાતની ભાજપા સરકાર ઉપર ગંભીર આક્ષેપો મુકી સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી છે. પત્નીનો આક્ષેપ છે કે સંજીવ ભટ્ટને સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવાથી રોકવામાં આવી રહ્યું છે. સુપ્રીમકોર્ટે આક્ષેપોને ગંભીર ગણાવતા ગુજરાત સરકાર પાસેથી આ મુદ્દે જવાબ માંગ્યું છે. આગામી સુનાવણી ૪થી ઓકટોબરે થશે.
સુપ્રીમકોર્ટે કહ્યું કે આક્ષેપો ગંભીર છે જો કોઈ નાગરિકની પત્ની આ પ્રકારના આક્ષેપો મુકે છે તો રાજય સરકારને જણાવવું પડશે કે શું થઈ રહ્યું છે. અહેવાલો મુજબ સુપ્રીમકોર્ટે એ પણ કહ્યું કે સામાન્ય રીતે આરોપી પોતે કોર્ટમાં આવે છે પણ અહીં આરોપીની પત્ની આવી છે. અમે હાલ કેસના ગુણદોષ બાબત સુનાવણી નથી કરતા. પહેલા સરકાર જવાબ રજૂ કરે સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી જણાવ્યું છે કે એમના પતિ હાલ પોલીસની રિમાન્ડ હેઠળ છે અને પોલીસ એમને વકીલાત પત્ર ઉપર પણ સહી કરવાની મંજૂરી પણ નથી આપતી અને કોર્ટમાં કેસને પડકારવા પરવાનગી પણ નથી આપતી. સંજીવ ભટ્ટ હાલ રર વર્ષ જુના એક કેસમાં પોલીસના રિમાન્ડ હેઠળ છે. આ મહિનાની પમી તારીખે ગુજરાત સીઆઈડીએ ભટ્ટને રર વર્ષ જુના કેસમાં ધરપકડ કરી હતી. રર વર્ષ પહેલા કથિત રીતે માદક પદાર્થો રાખવા બદલ એક વ્યકિતની ધરપકડ સંદર્ભે પૂછપરછ કરવા સંજીવ ભટ્ટની સાથે અન્ય ૭ વ્યકિતઓની ધરપકડ કરી હતી.