સંજેલી, તા.રર
સંજેલી ગોવિંદાતળાઈ પાસે આવેલ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં તહેવારો પૂર્વે જ અસામાજિક તત્ત્વોએ વીજ વાયરોની તોડફોડ કરી શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. મુસ્લિમ સમાજના ઈદનો તહેવાર ર સપ્ટેમ્બરે નજીકમાં જ છે. તેવા સંજોગોમાં ૧૦૦ મીટર જેટલા લાંબા વાયરો ઈલેક્ટ્રીક લાઈનના થાંભલા પરથી ઈદગાહ પાસે બનાવેલ છેક ઓરણ સુધી મોટર સાથે કનેકશન લેવામાં આવેલ છે. જે લાંબા વાયરોના ટુકડે ટુકડા કરી દઈને મુસ્લિમ સમાજમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો છે. સોમવારની મધ્યરાત્રીએ કબ્રસ્તાનમાં વીજવાયરોની તોડફોડ કરવામાં આવતા મંગળવારે વહેલી સવારથી મુસ્લિમ આગેવાનો સંજેલી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. સંજેલી પીએસઆઈ પારૂલબેન વસાવાને રજૂઆત કરતાં પોલીસે કબ્રસ્તાનની સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સંજેલી કબ્રસ્તાન પાસે હોમગાર્ડ જવાનોને નાઈટ પેટ્રોલીંગમાં મૂકવાની માગ કરવામાં આવી છે. સંજેલી કબ્રસ્તાનમાં તોફાની તત્ત્વો વારંવાર વીજવાયરો કાપીને મુસ્લિમ સમાજની લાગણી દુભાવે છે. આ સ્થળે વારંવાર અગાઉ બનેલા બનાવને લઈ સંજેલી પોલીસતંત્ર તરફથી હોમગાર્ડ જવાનોનો પોઈન્ટ મૂકવાની જરૂર છે. પહેલા પોઈન્ટ હતો પરંતુ ઓછા સ્ટાફના કારણે ઉઠાવી લીધો હોવાની વાત સંજેલી પીઆઈએ કરી હતી.
સંજેલી ખાતે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં વીજવાયરોની પુનઃ તોડફોડ

Recent Comments