(સંવાદદાતા દ્વારા) સંજેલી, તા.૬
સંજેલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલ લાભાર્થીઓની યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હોવાનું પ્રકાશમાં આવતા તેમજ અગાઉ આવાસમાં લાભ લઈ ચૂકેલા લાભાર્થીઓનો પણ પ્રધાનમંત્રી આવાસમાં નામનો સમાવેશ થયેલ છે તેમજ તાલુકાના અધિકારીના મળતિયાઓ દ્વારા આવાસ દીઠ ૫થી ૧૦ હજાર સુધીનું ઉઘરાણું થઈ રહ્યું છે. જેને ધ્યાને લઈ સંજેલી ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા જિલ્લા અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સંજેલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને આવાસો ફાળવવા માટે મંજૂર કરવામાં આવ્યા છે. લાભાર્થીઓની મંજૂર થયેલી યાદીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવતા સંજેલી તાલુકાના સામાજિક કાર્યકર કટારા સોમાભાઈ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સંજેલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભાર્થી નક્કી કરવામાં આવ્યા છે. તેમાં મોટાપાયે ગેરરીતિ કરવામાં આવી છે. યોજનાનો લાભ ગરીબ અને પછાત લોકોને આપવાનો છે. એમાં જે લોકો પાસે પોતાની પાસે રહેવાનું મકાન ન હોય અથવા સરકારની કોઈપણ આવાસ યોજના અંતર્ગત મકાન માટેનો લાભ ન મળ્યો હોય તેવા લોકોનો જ સમાવેશ કરવાનો હોય છે. જેમાં સંજેલી તાલુકામાં કુલ ૫૦૦૦ પ્રધાનમંત્રી આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં અગાઉ લાભ મળી ચૂકેલા હોય તેવા લાભાર્થીનો પણ યાદીમાં સમાવેશ થયો છે તેમજ જેની પાસે પાકા મકાનો છે તેમના નામનો પણ સમાવેશ થયો છે ત્યારે તાલુકા અધિકારી દ્વારા મંજૂર થયેલ લાભાર્થીના ઘરે ઘરે જઈ ચા-નાસ્તાના પૈસા લઈ લાભાર્થીનો ફોટો અન્ય કાચા મકાને જઈ ફોટા પાડી પાકા મકાન ધરાવતા લાભાર્થીઓને લાભ આપી દે છે ત્યારે કાચા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લાભાર્થી લાભથી વંચિત રહી ગયા છે. જો વાડજ ચીભડા ગળી જતી હોય તો આગળ રજૂઆત કરવાથી શું નિર્ણય અને પરિણામ આવે છે તેની રાહ જોવાની રહી એમ કટારા સોમાભાઈએ જણાવ્યું છે.