અમદાવાદ, તા.૧૦
ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. અમદાવાદના ડ્રાઇવ-ઇન વિસ્તારના સુશીલનગરમાં આવેલા તેના બંગલામાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ અંગે સંજીવ ભટ્ટે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સંજીવ ભટ્ટે પોતાના બંગલામાં થયેલા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. સંજીવ ભટ્ટ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક અરજી કરીને ઇમ્પેક્ટ ફી લઈને આ બાંધકામ કાયદેસર કરી આપવા અરજી કરવામાં આવી હતી. કોર્પોરેશને અહીં ઇમ્પેક્ટ ફી ભરવાના નિયમો લાગૂ ન હોવાથી સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી હતી. બાદમાં સંજીવ ભટ્ટે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમના આદેશ બાદ તોડી પડાયું હતું બાંધકામઃ ગુજરાત હાઇકોર્ટ સંજીવ ભટ્ટના ઘરે થયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો. આ આદેશના વિરુદ્ધમાં તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશને બાદમાં આ અંગે સંજીવ ભટ્ટને નોટિસ ફટકારીને ગેરકાયદે બાંધકામ તોડી નાખવાનો આદેશ કર્યો હતો. જોકે, બાદમાં કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ મામલે પાડોશીએ ૨૦૧૮માં ફરી હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. આ વખતે કોર્પોરેશને કાર્યવાહીની તૈયારી કરતા સંજીવ ભટ્ટે આ મામલે સ્ટે મેળવ્યો હતો.