અમદાવાદ,તા.૧૯
ગુજરાતના ર૦૦રના રમખાણો કેસ મામલે ભાજપ સરકાર સામે બાંયો ચઢાવનારા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સુરક્ષા પાછી ખેંચી લેવાતા રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે ગુજરાત રાજય ઈન્ટેલીજન્સ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે માત્ર સંજીવ ભટ્ટ જ નહીં પરંતુ ભાજપના ર૦ પૂર્વ મંત્રીઓ સહિત ૬૯ મહાનુભાવોની સુરક્ષા પરત ખેંચાઈ છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની સુરક્ષા પાછી ખેંચવા મામલે ગુજરાત રાજય ઈન્ટેલીજન્સના નાયબ કમિશનર મયુર ચાવડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં જે મહાનુભાવોને X, Y, Y+, Z, Z+ તથા આ કેટેગરી સિવાય પણ સુરક્ષા આપવામાં આવે છે તે માટે સમયાંતરે મહાનુભાવોને આપવામાં આવેલ સુરક્ષા ચાલુ રાખવી કે પરત ખેંચવી તે માટે રિવ્યુ કમિટીની મીટિંગ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. તાજેતરમાં આ રિવ્યુ કમિટીની મીટિંગ મળેલ હતી. જે મીટિંગમાં મહાનુભાવોને આપવામાં આવેલી સુરક્ષા અંગે વિવિધ સુરક્ષા એજન્સીઓ તરફથી મળેલ ઈનપુટના આધારે સુરક્ષા ચાલુ રાખવાનો કે પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મીટિંગમાં નોન કેટેગરીના કુલ ૬૪ વ્યકિતઓની સુરક્ષા પરત ખેંચવા તથા X/Y કેટેગરી ધરાવતા પાંચ મહાનુભાવોની સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તેમજ બે મહાનુભાવોની સુરક્ષા Y કેટેગરીમાં X કેટગરી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સંજીવ ભટ્ટ જેઓને IPS કેડરમાંથી બરતરફ કરવામાં આવ્યા છે તેઓને સૌપ્રથમ તા.ર૩-૪-ર૦૧૧થી સુરક્ષા આપવામાં આવેલી છે. સંજીવ ભટ્ટે મેઘાણીનગર પોલીસ સ્ટેશન I ગુના રજિસ્ટર નંબર ૬૭/ર૦૦રના કામે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ સમક્ષ નિવેદન આપેલું હતું તેમજ નાણાવટી કમિશનને પણ રજૂઆત કરેલ હતી. આ કેસ સંદર્ભે તેઓને સુરક્ષા આપવામાં આવેલ હતી. મેઘાણીનગર પોલી સ્ટેશન I ગુનો રજિસ્ટર નંબર ૬૭/ર૦૦રનો કોર્ટ દ્વારા ચુકાદો પણ આપવામાં આવેલ છે. તેમજ નાણાવટી કમિશન દ્વારા પોતાનો અહેવાલ પણ રાજય સરકારને સુપરત કરવામાં આવેલો છે. સંજીવ ભટ્ટને છેલ્લા સાડા સાત વર્ષથી પોલીસ સુરક્ષા ચાલુ રાખવામાં આવેલી છે. હવે તેઓ કોઈ કેસના મહત્વના સાક્ષી પણ નથી કે, કોઈ કોર્ટ કે કમિશન સમક્ષ તેમની જુબાની પણ બાકી રહેતી નથી. સંજીવ ભટ્ટનું થ્રેટ પરસપ્શન કરાવતા તેઓને કોઈ સંગઠન કે વ્યકિતઓ તરફથી ભય ન હોય પુખ્ત વિચારણાને અંતે તેઓની સુરક્ષા પરત ખેંચવા રિવ્યુ કમિટીએ નિર્ણય લીધેલ છે. સંજીવ ભટ્ટ પાસે હાલ ત્રણ હથિયાર છે આ હથિયાર લાયસન્સ તેઓને સ્વબચાવ માટે જ આપવામાં આવેલ છે. આમ સંજીવ ભટ્ટે કરેલા આક્ષેપ મુજબ ફકત તેઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવેલી નથી. પરંતુ રિવ્યુ કમિટી દ્વારા સંજીવ ભટ્ટની સાથે કુલ ૬૪ વ્યકિતઓની પણ સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંજીવ ભટ્ટની સાથે ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ ધારાસભ્યો તથા મંત્રીઓ-ર૦, ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ સંસદ સભ્ય-૧, જજીસ-૮, પોલીસ અધિકારી-પ, તથા અન્ય-૩૦ મહાનુભાવોની સુરક્ષા પણ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ એક યાદીમાં મયુર ચાવડાએ જણાવ્યું છે.