(એજન્સી) તા.૧૪
અમેરિકી વેપાર પ્રતિનિધિ (યુએસટીઆર) રોબર્ટ લાઈટાઈઝરે ચાલુ અઠવાડિયે યોજાનાર ભારતનો પ્રવાસ પડતો મૂક્યો છે. આ વાતની બે સત્તાવાર અધિકારીઓએ પુષ્ટી કરી હતી. જો કે, આ દરમિયાન તેમના પ્રવાસના રદ થવાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલાં જ અમેરિકા અને ભારત વચ્ચેની વેપાર મંત્રણા પર સંકટના વાદળો ઘેરાયા છે. આ તમામ પ્રકારની વાટાઘાટો સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર યુએસટીઆરની સંપૂર્ણ યોજનામાં ફેરફાર અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જો કે, એવું પણ બની શકે છે કે, તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે અહીં આવી શકે છે કે અને આ દરમિયાન મિની ટ્રેડ ડીલ કરી શકે છે. તેઓ આ મામલે તેમના સમકક્ષ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ બંને પક્ષો છેલ્લે બે વર્ષોથી આ મામલે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર બંને પ્રતિનિધિઓ છેલ્લા ઘણા સમયથી ભારત અને અમેરિકા વતી ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે. આ મામલે નિશા બિશ્વાલે કહ્યું હતું કે, જો આ વખતે પણ ટ્રમ્પના પ્રવાસ દરમિયાન જો બંને દેશો કોઈ કરાર પર પહોંચવામાં નિષ્ફળ રહેશે તો તેનાથી બંને દેશોને ફાયદો નહીં થાય. તેઓ એક સારી તક ચૂકી જશે. તમને જણાવી દઈએ કે, નિશા બિશ્વાલ અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સમાં ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ છે. તેમણે તાજેતરમાં ભારતની મુલાકાત વખતે આ ટિપ્પણી કરી હતી. તદઉપરાંત બિશ્વાલે કહ્યું હતું કે, એક મર્યાદિત ટ્રેડ ડીલ પર તો સંમતિ સધાવી જ જોઈએ. જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે, આગામી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેવાના છે.