(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.રપ
તીડના ત્રાસથી ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ ટીમો તીડ મામલે સક્રિય છે. તીડ મામલે બનાસકાંઠાના કલેક્ટરે પણ તાત્કાલિક બેઠક બોલાવી છે. તો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ થરાદ તાલુકાની મુલાકાત લઈને ખેડૂતો પાસેથી તીડના ત્રાસ અંગેની માહિતી એકઠી કરી હતી. બીજી તરફ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચેલા ભાજપના સાંસદ પરબત પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત વચ્ચે તડાફડી બોલી હોવાનો બનાવ પણ સામે આવતા ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તીડના આક્રમણથી પરેશાન છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન થરાદમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા. બનાસકાંઠાના ભાજપના સાંસદ પરબત પટેલ અને થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત વચ્ચે થરાદમાં જીભાજોડી થઈ હતી. બંને નેતાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળવાને બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પરબત પટેલ થરાદ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. જો કે, લોકસભામાં બનાસકાંઠા બેઠક પર જીત થતાં તેમણે આ બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતે જીતી હતી. તીડના આક્રમણને લઈ ખેડૂતોના પાકનો નાશ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે પગલા લેવા સહિતની ચિંતા કરવાને બદલે એકબીજા પર દોષારોપણ અને આરોપબાજી કરતા રાજકીય નેતાઓના કૃત્ય અંગે પંથકમાં ઠેર-ઠેર ચર્ચા જારી છે.