શ્રીનગર, તા. ૧૧
વર્ષ ૨૧૦૩માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં દોષિત ઠરેલા અને ફાંસીએ ચડાવાયેલ અફઝલ ગુરૂના પુત્ર ગાલિબ અફઝલ ગુરૂએ ફરી એકવાર બધા માટે દાખલો બેસાડ્યો છે. તેણે ૧૨માની બોર્ડની પરીક્ષામાં ૮૮ ટકા સાથે ડિસ્ટીંક્શન મેળવ્યુું છે. બે વર્ષ પહેલા ૧૦માની બોર્ડની પરીક્ષામાં ગાલિબે ૯૫ ટકા માર્ક્સ મેળવ્યા હતા. ગુરૂવારે સવારે જમ્મુ અને કાશ્મીર સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનની ૧૨માની પરીક્ષાના પરિણામ જારી કરાયા હતા જેમાં ગાલિબે ૫૦૦માંથી ૪૪૧ ગુણ મેળવ્યા હતા. તેણે એન્વાયરમેન્ટ સાયન્સમાં ૯૪, કેમિસ્ટ્રીમાં ૮૯, ફિઝિક્સમાં ૮૭, બાયોલોજીમાં ૮૫ અને જનરલ ઇંગ્લીશમાં ૮૬ ગુણ મેળવ્યા હતા.
ટોચની સમાચાર એજન્સી સાથે વાત કરતા વર્ષ ૨૦૧૬માં ગાલિબે કહ્યું હતું કે, તે મેડીકલનો અભ્યાસ કરી તેમાં કારકિર્દી બનાવવા માગે છે. તે વખતે તેણે કહ્યું હતું કે, હું ભણવા માગુ છું અને ડોક્ટર બનવા માગુ છું. આ અમારા પરિવાર અને વાલીઓનું સપનું છે કે હું ડોક્ટર બનુ અને તેને પુરૂ કરવા માટે હું ખુબ મહેનત કરીશ. ઉલ્લેખનીય છે કે, ગાલિબના પિતા અફઝલ ગુરૂ પણ મેડીકલનો અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ તેમણે અધવચ્ચે જ ભણતર છોડી દીધું હતું. ૧૩મી ડિસેમ્બર ૨૦૦૧ના રોજ સંસદ પર આતંકવાદી હુમલાના કેસમાં જ્યારે અફઝલ ગુરૂની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગાલિબ ફક્ત બે વર્ષનો હતો. વર્ષ ૨૦૧૩માં અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને મંગળવારે ૧૦મા ધોરણના પરિણામ જારી કર્યા હતા. પેલેટ ગનથી ઘાયલ અને આંખોનું તેજ ગુમાવનારી શોપિયાંની ઇન્શા મુશ્તાકે આ પરીક્ષામાં પાસ થઇ અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. પેલેટ ગનથી ઘાયલ થયા બાદ ઇન્શાના જીવનમાં ઘણી ચડ-ઉતર થઇ પરંતુ ખુશીના આ પળે તેના તમામ દુઃખોને પાછળ રાખી દીધા હતા. તેણે કહ્યું હતુ ંકે, હું ઘણી ખુશ છું અને હવે આગળ ભણવાની તૈયારી કરીશ.