(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯
સંસદના શિયાળુ સત્રના આજે બીજા દિવસે મંગળવારે લોકસભા અને રાજ્યસભાની બેઠકો હંગામા સાથે શરૂ થઈ હતી લોકસભામાં કોંગ્રેસ-એનસીપી અને ડીએમકેના સભ્યોએ મોદી સરકાર દ્વારા કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગની એસપીજીની સુરક્ષા પાછી ખેંચવાના મુદ્દે પ્રશ્નોતરી સમયકાળ દરમ્યાન ભારે હોબાળો મચાવ્યો હતો. તો રાજ્યસભામાં જેએનયુમાં મચેલી ધમાલ અને પોલીસ લાઠીચાર્જનો મુદ્દો ગાજ્યો હતો. પરિણામે બપોરના ૨ વાગ્યા સુધી સદનની કામગીરી સ્થિગત રાખવાની ફરજ પડી હતી. લોકસભામાં આજે જેવી બેઠક શરૂ થઇ કે તરત જ કોંગ્રેસ દ્વારા તેમના નેતાઓની સુરક્ષાનો મામલો ઉઠાવ્યો હતો અને હંગામો મચાવ્યો હતો. “બદલાની રાજનીતિ બંધ કરો”, “અમને ન્યાય આપો..”ના સૂત્રો પોકારતાં અધ્યક્ષના સ્થાન નજીક પહોંચ્યા હતા. જો કે તે પછી ઝીરો અવર દરમિયાન આ પક્ષના સભ્યો વોકઆઉટ કરીને ગૃહની બહાર નીકળી ગયા હતા. ઝીરો અવર દરમ્યાન કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ આ વિષયને આગળ વધારવાનો પ્રયાસ કરતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે કોંગ્રેસ સભ્યોએ આ મુદ્દાને નિયમો હેઠળ પહેલેથી જ ઉભા કર્યા છે. તેથી આ તબક્કે આ મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી. ચૌધરીએ કહ્યું કે, ગાંધી પરિવારના સભ્યોના જીવ જોખમમાં છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોઇ સામાન્ય લોકો નથી. તત્કાલિન વડાપ્રધાન વાજપેયીજીએ ગાંધી પરિવાર માટે વિશેષ સુરક્ષા જૂથ (એસપીજી)ની સુરક્ષાની મંજૂરી આપી હતી. ૧૯૯૧-૨૦૧૯ની વચ્ચે એનડીએ બે વાર સત્તામાં આવ્યું પરંતુ તેમનું એસપીજી કવર ક્યારેય હટાવવામાં આવ્યું નહીં. તેમણે સવાલ કર્યો કે એસપીજી સુરક્ષા અચાનક કેમ હટાવી લેવામાં આવી તેનો જવાબ સરકારે આપવો જોઇએ અધ્યક્ષે તેમને વધુ બોલવાની મંજૂરી આપી નહોતી. જો કે સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું કે સ્પીકરે કોંગ્રેસના સભ્યના મુદ્દા પર કામકાજ મુલતવી રાખવાની નોટિસ ફગાવી દીધી છે. હવે તે શૂન્ય કલાકમાં ચર્ચાનો મુદ્દો પણ નથી અને કોંગ્રેસના સભ્યો કોઈ મંજૂરી લીધા વિના તેને કેવી રીતે વધારી શકે છે, એવો સવાલ પણ કરતાં તેની સામે કોંગ્રેસના તમામ સભ્યો પોતાના સ્થાન પરથી ઉભા થયા અને વિરોધ નોંધાવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસ અને એનસીપીના સભ્યોએ, અધ્યક્ષે ચૌધરીને આ મુદ્દે આગળ બોલવાની મંજૂરી ન આપતાં ગૃહની બહાર નીકળી ગયા હતા.
ત્યારબાદ, ડીએમકેના ટીઆરકે બાલુએ પણ આ વિષયને આગળ વધારવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમને પણ બોલવાની છૂટ અપાઇ નહોતી. જે બાદ ડીએમકે સભ્યો પણ સદનની બહાર નીકળી ગયા હતા વોકઆઉટમાં જોડાયા હતા. મંગળવારે સવારે ગૃહની સભા શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યો બેઠક નજીક આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ડીએમકેના સભ્યોએ ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા હટાવવાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ શરૂ કર્યા હતા. કોંગ્રેસ અને ડીએમકેનાં સભ્યો ’બદલાનું રાજકારણ બંધ કરો, એસપીજી સાથે રાજકારણ કરવાનું બંધ કરો’ અને ‘અમને ન્યાય જોઈએ’ જેવા નારા લગાવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે સરકારે તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને પાર્ટી મહામંત્રી પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.

કોંગ્રેસે ગાંધી પરિવારનું સુરક્ષા કવચ પાછું ખેંચવા અંગે લોકસભામાં સભા મોકૂફી દરખાસ્તની નોટિસ આપી

કોંગ્રેસે ગાંધી પરિવારનું એસપીજી કવચ પાછું ખેંચવા સામે લોકસભામાં ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવાની દરખાસ્ત રજૂ કરવા માટે એક નોટિસ આપી છે. ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી લેવાના સરકારના પગલાને ‘મનસ્વી’ ગણાવીને કોંગ્રેસે આપેલી નોટિસમાં જણાવ્યું છે કે ગાંધી પરિવારના જીવ સામેના સંભવિત ખતરાઓની અવગણના કરીને સુરક્ષા કવચ પાછું ખેંચવામાં આવ્યું છે. દરખાસ્તમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ હાથ ધરવા માટે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવા માટે સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.