(એજન્સી) કોલંબો, તા.૨૭
શ્રીલંકાના વડાપ્રધાનને કાઢી મુકાયા બાદ રાજકીય વિવાદ ગોરંભાતા શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ શનિવારે સંસદ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. સંસદના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ ૧૬ નવેમ્બર સુધી ૨૨૫ સભ્યોવાળી સંસદની તમામ બેઠકોને મોકૂફ રાખી છે. પોતાની બહુમતી પુરવાર કરવા માટે સંસદનું ઇમરજન્સી સત્ર બોલાવનારા રાનિલ વિક્રમસિંઘેને રાષ્ટ્રપતિ દ્વારા શુક્રવારે પદ પરથી ઉતારી દેવાયા હતા. ૨૦૧૯ના વાર્ષિક બજેટની શરૂઆત કરવા સંસદનું સત્ર પાંચમી નવેમ્બરે શરૂ થવાનું હતું. જ્યારે દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે આ પગલાં દેશના આર્થિક સંકટને વધુ ઘેરૂ બનાવશે. સંસદીય સ્પીકર કારૂ જયસુર્યાએ પોતાના નિવેદનમાં વિવાદને વહેલી તકે ઉકેલવા માટે શાંતિ અને નિયંત્રણ રાખવાની અપીલ કરી હતી. કોલંબોમાંથી યુરોપના રાજદ્વારીઓએ અમેરિકાના સૂરમાં સૂર મિલાવતા કહ્યું છે કે, હાલ થઇ રહેલી પ્રવૃત્તિઓ પર નજર છે અને બંને પક્ષોને બંધારણીય રીતે વર્તવાનું કહ્યું છે. યુરોપિયન યુનિયનના રાજદ્વારીઓ જેઓ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્‌સ, રોમાનિયા અને યુકેના કમિશનર છે તેમણે તમામ પાર્ટીઓને શ્રીલંકાના બંધારણ અનુસાર વર્તવાની અપીલ કરી છે. તેમણે બળવાખોરોને પણ હિંસાથી દૂર રહેવા તથા મીડિયાની આઝાદીનું સન્માન કરવા અપીલ કરી છે. અહેવાલો અનુસાર મહિન્દા રાજપાકસેના સમર્થકો દ્વારા તેમની શપથવિધિ બાદ કેટલાક દેશના મીડિયા સંસ્થાનો તથા મીડિયા કર્મચારીઓ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા.