(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૨૫
ભાજપે આજે તેના ઉમેદવારોની જાહેર કરેલી પાંચમી યાદીમાં પંચમહાલના કાલોલ વિધાનસભા બેઠક પરથી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પૂત્રવધુ સુમનબહેન ચૌહાણને ટિકિટ ફાળવાતાં સાંસદ પ્રભાતસિંહના ઘરમાં થયેલો ડખો આજે વધુ ચગડોળે ચઢયો હતો. ગઇકાલે સુમનબહેનની સાસુ રંગેશ્વરી ચૌહાણે કરેલા વિરોધ બાદ આજે સસરા પ્રભાતસિંહે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પાંચ પાનાનો એક પત્ર લખી તેમની પૂત્રવધુને ટિકિટ ફાળવવાને લઇ વિરોધ વ્યકત કર્યો છે અને તાત્કાલિક ધોરણે કાલોલ બેઠકના ઉમેદવાર બદલવાની માંગણી કરી છે. પ્રભાતસિંહે પત્રમાં એવી ચીમકી પણ આપી હતી કે, જો ભાજપ હારશે તો તેમની જવાબદારી નહી રહે. ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે અમિત શાહને પત્ર લખી ભાજપના સી.કે.રાઉલજી પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સી.કે.રાઉલજી તેમના પુત્રને ભરમાવે છે અને ગેરમાર્ગે દોરે છે. તેમણે ભાજપ હાઇકમાન્ડને ઉદ્દેશીને જણાવ્યું છે કે, તેમનો પુત્ર બુટલેગર છે તેનો મતલબ એ નથી કે તેને ટિકિટ નહી આપીને પૂત્રવધૂને આપી દેવાય. ભાજપ જો ચૂંટણીમાં આ બેઠક પરથી હારશે તો તેમની કોઇ જવાબદારી નહી રહે. જેથી તાત્કાલિક ધોરણે કાલોલ બેઠકના ઉમેદવારને બદલવામાં આવે. ભાજપે ગઇકાલે જાહેર કરેલી ૧૩ ઉમેદવારોની યાદીમાં ભાજપ હાઇકમાન્ડે એક માત્ર મહિલા ઉમેદવાર સુમનબહેન ચૌહાણને કાલોલ વિધાનસભા બેઠકની આ ટિકિટ ફાળવી હતી પરંતુ આ ટિકિટને લઇ હવે પ્રભાતસિંહના પત્ની અને પૂત્રવધુ વચ્ચે ડખો ઉભો થયો હતો. કારણ કે, આ બેઠક પરથી પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણ ચૂંટણી લડવા માંગતા હતા. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પણ આ અંગેની માંગણી કરી હતી. બીજીબાજુ, ભાજપ દ્વારા કાલોલ બેઠક માટે સુમનબહેન ચૌહાણનું નામ જાહેર થતાં સાસુ રંગેશ્વરી ચૌહાણે ભારે નારાજગી વ્યકત કરી હતી અને તેમણે પોતાના એફબી પેજ પર કાલોલમાં પ્રચાર કરીને બતાવી તો જુઓ એ મતલબની ખુલ્લી ધમકી આપી હતી. આમ, પ્રભાતસિંહ ચૌહાણની પત્નીએ સોશ્યલ મીડિયા મારફતે પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો. બીજીબાજુ, પૂત્રવધુ સુમનબહેન ચૌહાણે તેમના પરિવારમાં કોઇ વિખવાદ હોવાની વાતનો છેદ ઉડાડયો હતો અને જણાવ્યું હતું કે, જો મારા સાસુ નારાજ હશે તો પણ તેમને અમે મનાવી લઇશું. અમે સાસુ-વહુ સાથે જ આ બેઠક માટે પ્રચાર કરીશું. ગઇકાલે સાસુ બાદ આજે સસરા પ્રભાતસિંહે પણ પૂત્રવધુને ટિકિટ ફાળવવા સામે વિરોધ વ્યકત કર્યો હતો. વિવાદને લઇને ચારે બાજુ ચર્ચા જોવા મળી રહી છે.