(એજન્સી)નવી દિલ્હી, તા.પ
આગામી લોકસભા ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. નેતાઓનો એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાવવાનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો છે. આ ઘટનાક્રમમાં પંજાબના ફિરોજપુરથી શિરોમણિ અકાલી દળના સાંસદ શેરસિંહ ધુબાયાએ મંગળવારે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે.
અહેવાલ મુજબ શેરસિંહ ધુબાયાએ સોમવારે શિરોમણિ અકાલી દળ સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા મેળવી હતી. પંજાબમાં શિરોમણિ અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગઠબંધન માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. અહેવાલ અનુસાર શિરોમણિ અકાલી દળે એવો દાવો કર્યો છે કે, શેરસિંહ ધુબાયાને પાર્ટીએ પહેલાંથી જ હાંકી કાઢ્યા હતા. ધુબાયા પ્રદેશની જલાલાબાદ બેઠક પરથી ત્રણવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને સતત ૧૦ વર્ષથી સાંસદ છે. આ અગાઉ ઉત્તરપ્રદેશના સીતાપુરથી સાંસદ રહી ચૂકેલા બહુજન સમાજપાર્ટી (બસપા)ના મંત્રી કૈસર જહાં અને તેમના પતિ લહરપુર વિધાનસભા સીટના પૂર્વ ધારાસભ્ય જાસમીર અંસારીએ તેમના સમર્થકો સહિત બસપા છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. આ તમામને પ્રદેશ કોંગ્રેસ મુખ્ય કાર્યાલયમાં અધ્યક્ષ રાજ બબ્બરે સદસ્યતા ગ્રહણ કરાવી હતી.