(એજન્સી) તા.૨૫
દિલ્હીમાં જંતર મંતર ખાતે વાલ્મિકી ધર્મસંસદ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરાયું હતું. તેમાં જુદા-જુદા રાજ્યોથી ધર્મગુરૂઓ જોડાયા હતા અને તેમણે સરકારી નોકરીઓ, એડમિશન અને શૈક્ષણિક સંસ્થાનોમાં અલગ અનામતની માગણી કરી હતી. તેમણે માગણી કરી કે અમને અનુસૂચિત જાતિ કરતાં અલગથી અનામત આપવામાં આવે.
આ કાર્યક્રમમાં હાજર રહેલા વાલ્મિકી નેતાઓએ કહ્યું હતું કે, અનુસૂચિત જાતિના ક્વોટાને એક મોટો ભાગ અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિઓના ભાગે જતો રહ્યો જે શૈક્ષણિક અને નાણાંકીય રીતે વધારે ઉન્નત છે. જો કે, વાલ્મિકી સમુદાયની વાત કરીએ તો તે શૈક્ષણિક તથા નાણાંકીય રીતે પણ વધારે પડતાં પછાત છે. એસસી સમુદાયમાં રહીને તેમને ક્વોટાનો કોઈ ફાયદો મળી શકતો નથી. એટલા માટે જ અમે એસસી ક્વોટા કરતાં અલગથી એક ક્વોટાની માગણી કરી રહ્યા છીએ.
જો કે, વાલ્મિકી સમુદાય દ્વારા કરવામાં આવેલી માગણીને જમાત-એ-ઈસ્લામી હિન્દના વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ સલીમ એન્જિનિયર અને મોહમ્મદ સુલેમાન જે યુપીના કાનપુરમાં મુસ્લિમ નેતા છે તેમણે સપોર્ટ આપ્યો હતો. તેઓ આ ધર્મસંસદના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. આ ધર્મ સંસદના રાષ્ટ્રીય સલાહકાર અશોક અગ્યાણીએ કહ્યું હતું કે, અગાઉ ભૂતકાળમાં પણ વાલ્મિકી સમુદાયના નેતાઓ સરકારના નેતાઓને મળી ચૂક્યા હતા અને તેમ છતાં તેમની માગણીઓ પર સરકાર દ્વારા કોઈ ધ્યાન અપાયું નહીં. ધર્મ સંસદ હવે સરકાર પર અમારી માગણીઓ સ્વીકારવા દબાણ કરશે. તેમણે કહ્યું કે, જો અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વાલ્મિકી સમુદાયના નેતાઓ સંસદનો ઘેરાવ કરશે. અગ્યાનીએ કહ્યું હતું કે, અમે હિન્દુ નથી કેમ કે અમને હિન્દુઓના ભગવાનના મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો નથી. અમે શિક્ષણ ક્ષેત્રમાં વાલ્મિકી સમુદાયના લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવાની માગણી કરીએ છીએ.