બુધવારથી શરૂ થઈ રહેલા મોનસૂન સત્રમાં સરકારને ઘેરવાની વિપક્ષે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મોનસૂન સત્ર પહેલા સોમવારે ૧૩ વિપક્ષી પાર્ટીઓ દ્વારા બેઠક આયોજીત કરાઈ હતી. આ બેઠકમાં સરકારને ઘેરવાના ઘણાં મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મોનસૂન સત્રમાં રફાલ ડીલ, નીરવ મોદી, મેહુલ ચોક્સીથી લઈને લલિત મોદી અને વિજય માલ્યા જેવા વ્યક્તિઓ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલા પણ ઉઠાવવામાં આવ્યા હતા. આના સિવાય હાયર એજ્યુકેશનમાં એસસી-એસટી અને ઓબીસી અનામતને સમાપ્ત કરવાનો સવાલ પણ સંસદમાં ઉઠાવવામાં આવશે.
કોંગ્રેસે જણાવ્યું છે કે, તેઓ બુધવારથી શરૂ થતાં સંસદના ચોમાસું સત્રમાં દરેક વિપક્ષી દળ સાથે મળીને સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, સોમવારે વિપક્ષી દળોની બેઠકમાં સામેલ થયેલી દરેક પાર્ટીઓ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા સહમત થઇ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પ્રયત્નો કરશે કે, દરેક વિપક્ષી દળોને સાથે લઇ શકે, અન્ય વિપક્ષી દળોને સાથે લાવવાની પ્રક્રિયા શરૂ છે. દરેક દળો સાથે મળીને કોંગ્રેસ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ આ સત્રમાં મહિલા સુરક્ષા, બેરોજગારી, મારા-મારી કરીને હત્યા(લિંચિંગ), ખેડૂતોની સ્થિતી, અનુસુચિત જાતિ-જનજાતી અત્યાચાર વિરોધી કાયદો, મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો અને સ્વિસ બેંકમાં ભારતીયો તરફથી પૈસા જમા કરાવવામાં ૫૦%નો વધારોના મુદ્દે સરકારને ઘેરવામાં આવશે. તેમણે કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવમાં સંસદમાં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ પણ તેઓ ઉઠાવશે. ખડગેએ કહ્યું કે, જનતાની સમસ્યાને સદનમાં રાખવાની તક મળશે તેવી આશા કરીએ છીએ. આ સિવાય વિપક્ષી પાર્ટીઓ મોબ લિંચિંગ, દલિત ઉત્પીડન , મહિલાઓ વિરુદ્ધના અત્યાચાર જેવા મુદ્દાઓ પણ સંસદમાં ઉઠાવશે. આ સિવય વિપક્ષી દળોની બેઠકમાં રાજ્યસબાના ઉપસભાપતિ પદની ચૂંટણીને લઈને પણ સંયુક્ત રણનીતિ મામલે ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો મુજબ ભાજપે શિરોમણિ અકાલી દળના ઉમેદવારને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. જ્યારે વિરોધ પક્ષો તૃણમૂલ કોંગ્રેસ અથવા ડીએમકેના ઉમેદવારની તરફેણ કરી રહ્યા છે

સંસદનું ચોમાસું સત્ર : મતો ઓછા પડવાના ભયે એનડીએ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણીમાં વિલંબ કરી શકે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
સંસદના ચોમાસુ સત્ર પહેલા કોંગ્રેસસહિત ૧૩ વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં રાજ્યસભાના ઉપસભાપતિ માટે કોઇ એક ચોક્કસ નામ પર ચર્ચા થઇ શકી નથી પરંતુ સૂત્રો અનુસાર તમામ વિપક્ષ સંયુક્ત ઉમેદવાર માટે સહમત થઇ ગયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદની અધ્યક્ષતાવાળી બેઠકમાં કુલ ૧૪ વિપક્ષોને બોલાવાયા હતા જેમાંથી ૧૩ વિપક્ષ બેઠકમાં સામેલ થયા હતા. બેઠકમાં આમ આદમી પાર્ટીનેપણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ તે સામેલ થઇ નહોતી. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં સામેલ થનારા ૧૩ વિપક્ષને જીત મળી શકે તેમ નથી. બેઠકમાં સામેલ પાર્ટીઓની રાજ્યસભામાં કુલ સંખ્યાબળ ૧૦૨ બેઠકોનું છે પણ બહુમત માટે તેણે ૧૨૩નો આંકડો પાર કરવો પડશે. આવા સમયે સૂત્રો અનુસાર બીજેડી અને ટીઆરએસને પણ અંદરખાને મનાવવાના પ્રયાસ ચાલુ છે. રાજ્યસભામાં બીજેડીના ૯ અને ટીઆરએસના છ સાંસદો છે જ્યારે આપ પાસે ત્રણ સાંસદો છે આવા સમયે જો આ ત્રણેય પાર્ટીઓ ભાજપ વિરૂદ્ધ જાય તો ઉપસભાપતિની ચૂંટણીમાં વિપક્ષનો માર્ગ મોકળો બની જાય. એનડીએ તરફથી ઉપસભાપતિના ઉમેદવાર માટે અકાલી દળના નરેશ ગુજરાલના નામને લઇ ચર્ચા છે. ૧૮ જુલાઇથી શરૂ થઇ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આ બેઠકમાં વિપક્ષી પાર્ટીઓએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે સત્ર ચાલવું જોઇએ. આમાં બેરોજગારી, ખેડૂત, દલિત, ઓબીસી, લઘુમતીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ અને લિન્ચિંગની ઘટનાઓ પર ચર્ચા થવી જોઇએ. બેઠક બાદ ગુલામનબી આઝાદે કહ્યું હતું કે, અમે દેશની જનતાને કહેવા માગીએ છીએ કે, અમે તમારા મુદ્દા ઉઠાવીશું. બેરોજગારીના મુદ્દા ઉઠાવીશું, ખેડૂતોના મુદ્દા ઉઠાવીશું, ઓબીસી અને લઘુમતીઓના મુદ્દા ઉઠાવીશું, લિન્ચિંગના મુદ્દા ઉઠાવીશું. યુનિવર્સિટીઓમાં દલિતો અને ઓબીસીના અનામતને સમાપ્ત કરવાના મુદ્દા ઉઠાવીશું.