(એજન્સી) નવી દિલ્હી, ૨૨
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બુુધવારે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, સંસદનું શિયાળુ સત્ર ૧૫મી ડિસેમ્બરથી શરૂ થશે અને પાંચમી જાન્યુઆરી સુધી ચાલશે. હાલના નિયમો અનુસાર તારીખ નક્કી થયા બાદ સંસદના શિયાળુ સત્રને બોલાવવા માટે ૧૫ દિવસનો સમય લાગે છે. ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર ન વિખેરવા માટે મંગળવારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા વડાપ્રધાનને સંસારના રચયિતાની સંજ્ઞા આપી દીધી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રહ્મા છે અને તેઓ જ રચયિતા છે. ફક્ત તેઓ જ જાણે છે કે, સંસદ ક્યારે ચાલુ થશે. મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન પર ગુજરાતમાં આગામી મહિને થનારી વિધાનસભા ચૂંટણી માટે લોકતંત્રના મંદિરને નષ્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમનું પ્રથમ કામ સંસદનું ડેલી સ્પર્શવાનું હતું પરંતુ હવે તેના માટે તેમને કોઇ સન્માન નથી તેમ દેખાય છે. સોમવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં સંસદનો સામનો કરવાનો સાહસ નથી તથા સરકાર સારહીન આધારો પર સંસદ સત્ર સમાપ્ત કરી રહી છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર ખોટી માન્યતાનો શિકાર છે. જો તે વિચારે છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા લોકતંત્રના મંદિરને તાળું લગાવી તેઓ બંધારણીય જવાબદારીથી ભાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે સંસદનું શિયાળુ સત્ર નવેમ્બરમાં શરૂ થઇને ચાર સપ્તાહ બાદ સમાપ્ત થાય છે પરંતુ એવા અહેવાલો છે કે, સંસદના ઇતિહાસમાં એવું પહેલીવાર બનશે કે સત્ર કદાચ શરૂ જ ન કરાય. વડાપ્રધાન મોદી તથા કેન્દ્ર સરકારના ટોચના મંત્રીઓ ૯ તથા ૧૪મી ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે તથા સત્તાપક્ષ ભાજપે કથિત રીતે સંસદના સત્રને ખોરવવા જાન્યુઆરી સુધી લંબાવવા અંગે ચર્ચા કરી છે. જોકે, ટેકનિકલ રીતે જોવામાં આવે તો સરકાર પાસે શિયાળુ સત્ર બોલાવવા માટે ફેબ્રુઆરી સુધીનો સમય હોય છે.